કરાચી એરપોર્ટ પાસે ફિદાયીન હુમલો ૨થી વધુ ચીની નાગરિકોના મૃત્યુ
(એજન્સી)કરાચી, પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક રવિવારે રાત્રે મોટો હુમલા થયો છે. પોર્ટ કાસિમ ઈલેક્ટ્રીક પાવર કંપની (પ્રાઈવેટ) લિમિટેડના ચીની કર્મચારીઓને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો થતાં બેથી વધુ ચીની નાગરિકોના મૃત્યુ થયા છે અને ૧૬થી વધુ લોકો ઘાયલ થયા છે. દૂતાવાસના નિવેદન અનુસાર, પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલે હુમલાની સખત નિંદા કરી,
બંને દેશોના નિર્દોષ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો તેમજ તેમના પરિવારો પ્રત્યે ઊંડી સાંત્વના વ્યક્ત કરી. પાકિસ્તાની અલગતાવાદી આતંકવાદી ગ્રુપ બલૂચિસ્તાન લિબરેશન આર્મી મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી છે. ચીની પક્ષે તાત્કાલિક એક ઇમરજન્સી યોજના શરૂ કરી અને વિનંતી કરતા કહ્યું કે, “પાકિસ્તાની સત્તાવાળાઓ હુમલાની તપાસ કરે, ગુનેગારોને સખત સજા કરે
અને પાકિસ્તાનમાં ચીની નાગરિકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લે.” વિસ્ફોટ બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા વળી ગયા હતા. આખા શહેરના રહેવાસીઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. વિસ્ફોટ સ્થળની નજીકના રસ્તા પર મોટી આગ દેખાતી હતી. ઉત્તર નાઝિમાબાદ અને કરીમાબાદ સહિત શહેરના વિવિધ ભાગોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.