Western Times News

Gujarati News

પાણીના પ્રશ્નો માટે ઉગ્ર આંદોલન તથા મતદાન બહિષ્કારની ચીમકી

૧૫ વર્ષથી સિંચાઇ વિભાગમાં રજુઆતો કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર

(પ્રતિનિધિ) વિરપુર, હાલ સમગ્ર ગુજરાતમાં સરકારી કર્મચારીઓ હડતાળ સમેટવામા સરકાર કમર તોડી બાદ હવે સરકાર સામે ખેડૂતો આંદોલન પર બેઠવાની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે ત્યારે વિરપુર તાલુકાના બેતાળીસ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા સિંચાઇ અને પીવાના પાણીની માંગને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે.

વિરપુર તાલુકાના નાની સિંચાઈના તળાવો જેવા કે ધોરી ઘાટડા, ડેભારી,ખાટા, કોયડમ, ભવાનીના મુવાડા, વઘાસ, ભાટપુર સહિતના ૩૦ જેટલા ગ્રામ્ય તળાવ તેમજ ચેક ડેમો દ્વારા સીધી તેમજ આડકતરી રીતે ૫૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ તેમજ ૩૦ ગામોના પીવાના પાણીનો ઉકેલ આવી શકે તેમ છે અને તેના માટે છેલ્લા ૧૫ વર્ષથી સરકાર તેમજ વિવિધ કક્ષાએ આ માટે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે.

આ વિસ્તાર માટે તાલુકાની મધ્યમાંથી પસાર થતી સુજલામ્‌ સુફલામ્‌ કેનાલ મોથી નીકળતી સૂચિત લુપ કેનાલ ની વર્ષ ૨૦૦૪માં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ પરંતુ એક યા બીજા કારણસર કામગીરી હાથ ઉપર ન ધરી અને આ વિભાગને લાભથી વંચિત રાખી હળાહળ અન્યાય કરવામાં આવેલ છે.

ચાલુ વર્ષ દરમિયાન કપડવંજ ,કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા ,બાયડ વગેરે સાત તાલુકાના વંચિત વિસ્તારને લાભ આપવા માટે સરકાર દ્વારા એજન્સી નિયુક્ત કરી પ્રથમદર્શી અહેવાલ સાદર કરવા માટે જણાવે જેમાં કપડવંજ, કઠલાલ, ગડતેશ્વર અને બાલાસિનોર તાલુકાના ૧૨૦ ગામોના તળાવો ,ચેક ડેમો અને નાની સિંચાઈના તળાવો મહીસાગર નદી માંથી ઉદવહન થી ભરવા કામગીરી કરવા માટે ૮૫૨ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી અને વિરપુર તાલુકાના એક છેડે થી પસાર થતી આ નદીમાંથી પાણી લેવા ના વિકલ્પોમાંથી બાકાત રાખી અને ફરીથી ઓરમાયુ વર્તન રાખવામાં આવેલ છે.

આ બાબતને લઇને દીન ત્રણમાં અધિકૃત રીતે લેખિત બોહેધરી ન મળે તો ૩૦ ગામના લોકો આખરે મહીસાગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

જેન્તીભાઇ પટેલ બેતાળીસ કડવા પાટીદાર સમાજના અગ્રણી: વિરપુર તાલુકાના ૩૦ જેટલા ગામોમાં દાયકાઓથી સિંચાઈના પાણીનો લાભ આપવામાં આવતો નથી માત્ર ચોમાસાની સિઝનમાં વરસાદથી ખેતી થાય તેજ પ્રમાણેની ખેતી કરી રહ્યા છે આ બાબતને લઇને સિંચાઇ વિભાગને છેલ્લા ૧૫ વર્ષથી લેખીત રજુઆત કરી હોવા છતાં આ રજુઆતને ધ્યાને લેવામાં આવતું નથી જેને લઈને બેતાળીસ કડવા પાટીદાર સમાજના ૩૦ જેટલા ગામોના અગ્રણીઓ દ્વારા આવનાર દિવસોમાં વિરપુર તાલુકાને સિંચાઇ નો લાભ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન તેમજ આવનારી ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.