ભરૂચ GIDCની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની ભોલાવ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક પેકેજીંગ કંપનીમાં બુધવારના રોજ વહેલી સવારે ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તાર બંબાના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો.જાેકે આગમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.તો બનાવની ગંભીરતા જાેઈ કલેકટર,જીલ્લા પોલીસવડા અને વહીવટી તંત્ર સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
ભરૂચ જીલ્લામાં સતત બીજા દિવસમાં આગનો બનાવ બનવા પામ્યો છે.જેમાં ગતરોજ પાનોલી જીઆઈડીસીમાં અને બીજા બનાવમાં પાલેજ જીઆઈડીસીમાં આગનો બનાવ સામે આવ્યો હતો.ત્યારે બુધવારની વહેલી સવારે ભરૂચ ભોલાવ જીઆઈડીસીના સેઝ ૨ માં આવેલા નર્મદા પ્લાસ્ટિક પેકેજીન કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વહેલી સવારે લાગેલી આગની ઘટનામાં ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો માળો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયારો હાથધર્યા હતા.પરંતુ પ્લાસ્ટિકનું મટીરીયલ હોવાના કારણે આગ ભયંકર સ્વરૂપ ધારણ કરતા કાબુ મેળવવો મુશ્કેલ બનવતા પાનોલી, અંકલેશ્વર,જીએનએફસી,એલ.એન્ડ.ટી, ભરૂચ – અંક્લેશ્વર નગરપાલિકા સહિતના ૨૦ થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી કેમિકલ ફોર્મ સહિતના સાધનો વડે આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવા છતાં પણ ૮ કલાક બાદ આગ કાબૂમાં આવી હતી.આગ લાગી તે સ્થળ ઉપર જ જીઈબીની હાઈટેન્શન લાઈન પસાર થતી હોય લોકોના જીવ તાળવે ચોંટતા વીજ પુરવઠો પણ તાત્કાલિક આર થી બંધ કરવામાં આવ્યો હતો.તો આગમાં નજીકમાં પાર્ક કરેલ ફોર વ્હીલર કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.આગ ભયંકર બાજુની કંપનીમાં ન પ્રસરે તેના ફાયર ફાયટરો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આગની ઘટના પગલે ભરૂચ કલેકટર ડૉ.તુષાર સુમેરા,ભરૂચ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ, ભરૂચ મામલદાર સહિતના અધિકારીઓ પહોંચી આગ લાગવાના કારણો સહિતની જાણકારી મેળવી આગ વહેલી તકે કાબૂમાં આવે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવા પ્રયાસો હાથધર્યા હતા અને નજીક માં આવેલી સોસાયટીના રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો હોવા છતાં આધુનિક ફાયર સ્ટેશન ન હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવા કલાકોની ભારે જહેમત ઉઠાવવી પડે છે.ત્યારે ભરૂચ જીલ્લામાં આધુનિક ફાયર સ્ટેશન બને તેવી લોક માંગ ઉઠવા પામી હતી.