ભરૂચમાં માત્ર 100 રૂપિયાના છુટા આપવા બાબતે ધીંગાણું
છુટા પથ્થરથી મારામારી થતા સામ સામે ફરિયાદ ઃ બંને પક્ષે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ફૂલ બજાર નર્મદા મૈયા બ્રિજ નજીક શીતલ સર્કલ પાસે ફૂલ બજાર ભરાય છે.
જેમાં પૂર્વ પટ્ટી વિસ્તારના ફૂલની ખેતી કરતા ખેડૂતો ફૂલનો વેપાર કરવા માટે આવતા હોય અને ફૂલ બજારમાં એક વેપારી પાસે બીજો વેપારી ૧૦૦ રૂપિયાના છુટા લેવા જતા બંને વેપારીઓ વચ્ચે બોલાચાલી બાદ છુટા પથ્થરોથી મારામારી થતા બંને વેપારીઓને ઈજા થતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી છે.
ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ દાંડિયા બજાર બચુ ભાઈના ટેકરા નીચે રહેતા મહેશભાઈ મરાઠી તેમની પત્ની રોશની સાથે ફૂલના વ્યવસાય અર્થે ગયા હતા. ત્યાં અન્ય ફૂલના વેપારી વિક્રમસિંહ રાઠોડનાઓ પાસે ૧૦૦ રૂપિયાના છુટા લેવા જતા છુટા નહિ આપી વિક્રમસિંહ રાઠોડે સવાર સવારમાં શું છુટા લેવા આવી ગયો
તેમ કહી ગમે તેમ ગાળો ભાંડી વિક્રમસિંહ રાઠોડ અને તેના કાકાનો દીકરો ઉપેન્દ્રસિંહ રાઠોડ ભેગા મળી મહેશ મરાઠી અને તેની પત્ની રોશનીને મારમારી છુટા પથ્થરો મારતા ફરિયાદીને ગાલ ઉપર ઈજા થઈ હોય અને ગળા અને હાથના ભાગે ઈજા થતા તેમજ તું અહીં ફૂલનો વેચવાનો ધંધો કરીશ
તો તને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત મહેશ મરાઠીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા પોલીસે તેનું નિવેદન લઈ ભરૂચ તાલુકાના અંગારેશ્વરના દરબાર ફળિયામાં રહેતા વિક્રમસિંહ રાઠોડ અને તેના કાકાનો દીકરો ઉપેન્દ્રસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તો સામે પક્ષે પણ વિક્રમસિંહ રાઠોડ અને તેના કાકાનો દીકરો ઉપેન્દ્રસિંહ રાઠોડને ઈજા થઈ હોય અને તેમાં પણ સામે પક્ષ મહેશ મરાઠીએ ફૂલનો વેપાર કરનાર બંને પૈકી ઉપેન્દ્ર રાઠોડને ડાબા પગની જાંઘમાં સપાટા મારી છુટા પથ્થરો મારતા ફરિયાદી વિક્રમસિંહ રાઠોડને જમણા હાથની પહેલી બે આંગળીમાં તથા આંખ નીચે પથ્થર વાગ્યા હતા
અને વધુ મારથી નજીકના લોકોએ બચાવી તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હોય જ્યાં ઈજાગ્રસ્ત વિક્રમસિંહ રાઠોડનું નિવેદન લઈ આરોપી મહેશ મરાઠી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે શીતલ સર્કલ નજીક વર્ષોથી ફૂલ બજાર ભરાય છે.ત્યારે છુટા આપવા જેવી નજીવી બાબતે ધીંગાણું સર્જાયા બાદ પથ્થર મારો કરી જાનથી મારી નાંખવાની ધમકીના પગલે અન્ય વેપારીઓમાં ખળભરાટ મચી ગયો હતો.