અમે ડોન છીએ, પોલીસને દોડાવીને મારવા છે’ કહીને જીવલેણ હુમલો કરાયો

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે પીસીઆર વાનમાં ફરજ બજાવતા મયુરભાઇ સોલંકીએ મેઘાણીનગરના શાંતિસાગરના છાપરામાં રહેતા કાલુ ઉર્ફે રાવણ પટણી તથા શ્રવણ પટણી અને બે મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે
ફરિયાદી રવિવારે પેટ્રોલીંગમાં હતા ત્યારે રાત્રે ૧૧ વાગ્યે મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એક રીક્ષા ચાલક પોતાની રિક્ષાથી સ્ટંટ કરતો હતો તેથી હે.કોન્સ્ટેબલે રિક્ષા ઉભી રખાવીને ‘તું રીક્ષા કેમ આ રીતે ચલાવે છે’ એટલું કહેતા રિક્ષા ચાલકે ઉશ્કેરાઇને ‘તું મને ઓળખે છે હું રાવણ છું અહીંનો દાદો છું, તુ મારી રિક્ષા કેવી રીતે ઉભી રખાવી શકે’ કહીને મારા મારી શરૂ કરી હતી.
જો કે, ફરિયાદી તેને સમજાવવા જતાં તેણે ફોન કરી તેના પત્ની અને બહેન તથા ભાઇને બોલાવી લીધા હતા. આ તમામ લોકોએ પોલીસ સાથે મારામારી કરીને ધમકી આપી હતી. અને પોતાને ગંભીર ઇજાઓ થઇ હોવાથી બેભાન હોવાનું નાટક કરીને સારવાર માટે જવાનું કહીને રિક્ષા લઇને બે મહિલા સહિત ચાર લોકો ભાગી ગયા હતા.
બીજા બનાવમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન તરીકે નોકરી કરતા શૈલેષભાઇ દેસાઇએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં શ્રવણ પટણી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે રવિવારે રાત્રે નોકરી પર હાજર હતા, ત્યારે શ્રવણ પટણી આવ્યો હતો.
તેણે કહ્યું કે, ‘હું રાવણનો ભાઇ છું’ અમે બધા વિસ્તારના દાદા છીએ તમે પોલીસવાળા અમારા ઘ્યાનમાં જ છો તમને દોડાવી દોડાવી મારવાના છે તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો.
આ સમયે હોમગાર્ડ જવાનોએ તેને સમજાવવા પ્રયત્ન કરતા ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપીને હોમગાર્ડ જવાન કિર્તિભાઇને પથ્થર મારીને માથામાં ઈજાઓ પહોંચડતા તેઓ તેઓ બેભાન થઇ ગયા હતા. બાદ તેને લોહી લુહાણ હાલતમા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.