ભાજીપાઉં પસંદ નહીં આવતાં વેપારી પર બે વાર હુમલો કર્યો
કુડાસણની ઘટના: ભાજીપાઉંની ડિશ કાર પર ફેંકી, અન્ય વેપારીએ ટકોર કરતાં બે વાર માર માર્યો
ગાંધીનગર, ગાંધીનગરમાં કુડાસણ ખાતે મિત્રો સાથે જમવા ગયેલા ઈસમે ભાજીપાઉંનો સ્વાદ પસંદ નહીં આવ્યો હોવાનું કહીને આંતકનો માહોલ ઉભો કર્યો હતો. ભાજીપાઉંની ડિશ બાજુમાં ઉભેલી કાર પર ફેંકી હતી.
બાજેની દુકાનના વેપારી કારમાં એકસેસરીઝનું કામ કરી રહ્યા હતા. વેપારીએ આ પ્રકારનું વર્તન નહીં કરવા જણાવતાં માથાભારે ઈસમે ભાજીપાઉં બનાવવાના તાવેતાથી હુમલો કર્યો હતો. એક વખત વેપારીને માર મારવાથી સંતોષ નહીં થતાં તેણે સાગરિતો સાથે મળીને બીજી વખત હુમલો કર્યો હતો.
ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કુડાસણના કુષ્ણકુંજ કોમ્પલેક્ષ ખાતે સતીષભાઈ આત્મારામ પ્રજાપતિ કાર એકસેસરીઝનો વ્યવસાય કરે છે. ગુરુવારે રાત્રે આઠના અરસામાં તેઓ કારીગરો સાથે કારની એકસેસરીઝનું કામ કરતા હતા તે વખતે બાજુની એ વન ફાસ્ટ ફૂડની દુકાનના એક ગ્રાહકે ભાજીપાઉં ભરેલી ડિશ કાર ઉપર છુટી ફેંકી દીધી હતી.
સતીષભાઈએ ઠપકો આપતા તે ઈસમ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી ભાજીપાઉં બનાવવાના લોખંડના તાવેતાથી સતીષભાઈ પર હુમલો કૃયો હતો તેની સાથેના અન્ય બે ઈસમોએ સતીષભાઈને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. આ ઘટનાના પગલે વસાહતીઓ- વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બુમાબુમ થતાં ત્રણેય ઈસમ સ્કોર્પિયો ગાડીમાં નાસી ગયા હતા.
ઉલ્લેખનીય છ ેકે અત્રેના વિસ્તારમાં છાશવારે આવી નાની મોટી માથાકૂટ થતી રહેતી હોવાથી સ્થાનિકો તોબા પોકારી ઉઠયા છે. જાહેર રોડ પરના કોર્નરમાં ઈંડાની લારીઓ અડીંગો જમાવીને ગોઠવાઈ જતી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા સ્થાનિકોને વેઠવી પડી રહી છે.
ઈજાગ્રસ્ત સતીષભાઈને માથામાંથી લોહી વહી રહ્યું હોવાથી કારીગરો તેમને દવાખાને લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર કરાવી સતીષભાઈ દુકાને પરત આવ્યા હતા અને દુકાનનું કામ પુરું કરી ઘરે જતા હતા ત્યારે રાત્રે ૧૦ના અરસામાં નાગરાજ પાર્ટી પ્લોટની પાસે આ ત્રણેય હુમલાખોરો ઉભેલા હતા અને તેમની સાથે અન્ય ત્રણ ઈસમો પણ હતા.
અમારું નામ કેમ લીધું, તેમભ કહી આ ટોળકીએ સતીષભાઈને ફરી ઢોર માર માર્યો હતો. સતીષભાઈએ તપાસ કરતા હુમલો કરનાર જોરુભાઈ બીજલભાઈ મકવાણા (રહે. કીર્તિધામ સોસાયટી વાવોલ) હોવાનું જાણવા મળ્યું હતું પગલે સતીષભાઈએ ફરિયાદ આપતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધ્યો છે.