રખિયાલમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતાં મકાન પર પથ્થરમારો કર્યો
બાળકોને રમવાના મુદ્દે ચાર બહેનોએ પાડોશના મકાન ઉપર પથ્થરમારો કરતાં બે યુવતી ઘાયલ
(એજન્સી)અમદાવાદ, નાના બાળકોની બબાલ મામલે એક મહિલાએ તેની બહેનો સાથે મળીને પાડોશના મકાનમાં પથ્થરમારો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મહિલાએ બહેનો સાથે મળીને પાડોશમાં રહેતી બે યુવતી પર હુમલો કર્યા બાદ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં બે યુવતીને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
રખિયાલ વિસ્તારમાં આવેલા અર્બનનગરમાં રહેતા હાજરાખાતુન શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં મુમતાઝબાનુ પઠાણ, મહેફૂઝાબાનુ પઠાણ રૂબીનાબાનુ અને અફસાનાબાનુ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. હાજરાખાતુન સંયુક્ત પરિવારમાં રહે છે અને ઘરેથી ટિફિન બનાવીને ગુજરાન ચલાવે છે. હાજરાખાતુન અને તેની દીકરી નેમતખાતુન પણ તેની સાથે રહે છે.
ગઈકાલે હાજરાખાતુન ઘરે હાજર હતી ત્યારે તેનો દિકરો ગુલફામરઝા ઘરની બહાર રમવા માટે ગયો હતો. અર્બનનગરમાં રહેતો રેહાન નામનો યુવક પણ ત્યાં રમતો હતો. બન્ને વચ્ચે કોઈ વાતે બોલાચાલી થઈ હતી જેથી હાજરાખાતુને રેહાનની માતા મુમતાઝબાનુ સાથે વાત કરી હતી. મુમતાઝબાનુ તેના દિકરાનું ઉપરાણું લઈને બબાલ કરવા લાગી હતી.
મુમતાઝબાનુ તેની બહેનો મહેફુઝાબાનુ, રૂબીનાબાનુ તથા અફસાનાબાનુને લઈને હાજરાખાતુનના ઘર પાસે આવી પહોંચી હતી. તમામે ભેગા મળીને હાજરાખાતુનને ગાળો આપી હતી. અફસાનાબાનુ ઘરની બહાર ગઈ હતી અને મુમતાઝબાનુને ગાળો ન બોલવાનું કહ્યું હતું. દરમિયાનમાં હાજરાખાતુનની બહેનની દીકરી નેમતખાતુન પણ બહાર આવી હતી. મુમતાઝબાનુ સહિતના લોકોએ નેમતખાતુન અને રજિયાખાતુન સાથે મારઝૂડ શરૂ કરી હતી. બન્ને યુવતીઓએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારથી છોડાવી હતી.
દરમિયાનમાં મુમતાઝબાનુ અને તેની બહેનોએ હાજરાખાતુનના ઘર પર પથ્થરમારો કર્યો હતો. જેમાં નેમતખાતુન અને રઝિયાખાતુનને ઈજા થઈ હતી. બન્નેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં નેમતખાતુનના માથામાં છ ટાંકા આવ્યા હતા. રઝિયાખાતુનને પણ સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાની જાણ રખિયાલ પોલીસને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રખિયાલ પોલીસે આ મામલે મુમતાઝબાનુ સહિત ચાર મહિલા વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.