ભિક્ષાવૃત્તિની હદના મુદ્દે વિવાદ છેડાતાં વ્યંઢળો વચ્ચે મારામારી
ફિલ્મીઢબે કારમાં આવી અન્ય વ્યંઢળોએ હુમલો કરી લૂંટ ચલાવી
મહેસાણા, વિસનગરમાં જાહેર સ્થળોએ ભિક્ષાવૃત્તિ કરતાં વ્યંઢળો વચ્ચે હદ મુદ્દે વિવાદ છેડાતા મામલો મારામારી અને લૂંટ સુધી પહોંચી ગયો હતો. ગુરુવારે સવારે ૯૦ વર્ષીય વ્યંઢળ પોતાના બે શિષ્ય સાથે ભિક્ષાવૃત્તિ માટે વિસનગરના બજારમાં આવતા અન્ય વ્યંઢળ અને તેના સાથીઓએ તેમના સાથે માથાકૂટ કરી માર મારી બે લાખની સોનાની ચેઈન ખેંચી ગયા હતા.
હુમલામાં ઈજાગ્રસ્ત બે વ્યંઢળને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં તેઓએ હુમલાખોર વ્યંઢળો સામે ફરિયાદ નોંધાવી હતી. વિસનગરના સવાલા દરવાજા પાસેના ભાથીટેબા વાસમાં આવેલા બહુચરમાતાના મંદિરમાં રહેતા ૯૦ વર્ષીય વ્યંઢળ કપીલાદે કમળાદે પાવૈયા નિત્યક્રમ મુજબ ભિક્ષાવૃત્તિ કરવા સારૂ તેમના બે શિષ્ય નિમીષાંદે હીનાદે પાવૈયા અને હેતલદે હિનાદે પાવૈયા સાથે ખાનગી રિક્ષામાં નીકળ્યા હતા.
તેઓ સવારે અગિયાર વાગ્યાના સુમારે વિસનગરના દિપડા દરવાજા પોપટલાલ મહારાજના મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યારે એક કાર અચાનક તેમની સામે આવીને ઉભી રહી હતી. આ કારમાંથી હાથમાં ધોકો લઈ વિસનગરની કમાણા ચોકડી પાસે રહેતા વ્યંઢળ રિયાદે ઉર્ફે રાહુલમાસી રમણભાઈ પાવૈયા ઉતર્યા હતા અને અહીંયા કેમ ભિક્ષાવૃત્તિ કરો છો તેમ કહી વાંધો ઉઠાવ્યો હતો.
કપીલાદે કમળાદે પાવૈયાએ અમે વર્ષાેથી ભિક્ષાવૃત્તિ કરીએ છીએ તેમ કહેતા જ રિયાદે ઉર્ફે રાહુલમાસી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ધોકાથી હુમલો કર્યાે હતો. હુમલાથી બચાવવા તેમના બંને શિષ્ય વચ્ચે પડતાં રિયાદે ઉર્ફે રાહુલમાસી અને તેનો ચેલો બારતીદે અને કારનો ચાલક પણ મારામારી કરવા લાગ્યા હતા. ત્યારબાદ રિયાદે પાવૈયાએ કપીલાદેએ ગળામાં પહેરેલ રૂ.બે લાખની કિંમતના સોનાની ચેઈન ખેંચી લૂંટી લીધી હતી.