Western Times News

Gujarati News

FIIDSએ અમેરિકામાં વિદ્યાર્થીઓને થતાં અન્યાય બાબતે વિદેશ મંત્રાલયને રજૂઆતો કરી

યુએસ સરકાર, યુનિ.ને ભારતીય સંગઠનની રજૂઆત-અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના અપમૃત્યુ રોકવા પગલાં લેવા અપીલ

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની હત્યાઓ અને અપમૃત્યુના બનાવોમાં સતત ચિંતાજનક હદે થઈ રહેલા વધારાને પરિણામે ત્યાં વસતાં ભારતીયો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે.

અમેરિકા સ્થિત મૂળ ભારતીયોના અગ્રણી સંગઠને આ મામલે તાકીદે યોગ્ય પગલાં લેવા અને જવાબદારો વિરુદ્ધ આકરી દાખલારૂપ કાર્યવાહી કરવા માટે અમેરિકન સરકાર, યુનિવર્સિટીઝ તથા વિદ્યાર્થી સંગઠનોને અપીલ કરી છે.

ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS) દ્વારા કરાયેલા વિશ્લેષણ અનુસાર, અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના અપમૃત્યુના બનાવોમાં મુખ્યત્વે ગોળીબારથી થયેલ મૃત્યુ, અપહરણ, સુરક્ષાને લગતી પુરતી જાણકારીના અભાવે પર્યાવરણીય કારણોસર (મોનોક્સાઈડ પોઈઝનિંગ, હાયપરથર્મિયા), માનસિક સમસ્યાઓને કારણે આત્મહત્યા, શંકાસ્પદ સંજોગોમાં અકસ્માતને કારણે મૃત્યુ તથા હિંસક અપરાધોનો સમાવેશ થાય છે.

FIIDSએ અમેરિકન સત્તાવાળાઓને સુરક્ષાને લગતા શિક્ષણમાં વધારો કરવા, સર્ચ અને બચાવની કામગીરીમાં સુધારો કરવા તથા તેને ઝડપી બનાવવા, સમુદાયિક ઉત્પીડન અંગેના નિયમો વધુ કડક બનાવવા સહિતના પગલાં લેવા અપીલ કરી છે. ૨૦૨૪ની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકામાં ભારતીય અને ભારતીય મૂળના ૧૧ વિદ્યાર્થીઓએ અકુદરતી રીતે જીવ ગુમાવ્યો છે.

છેલ્લાં એક મહિનાથી ગુમ થયેલાં એક ભારતીય વિદ્યાર્થીનું શબ ચાલુ સપ્તાહે અમેરિકાના ક્લીવલેન્ડ શહેરમાંથી મળી આવ્યું હતું. ગયા સપ્તાહે ઓહાયોમાં ઉમા સત્યા સાઈ ગડ્ડે નામનો એક ભારતીય વિદ્યાર્થી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તે પહેલાં મિસોરીના સેન્ટ લુઈસમાં અમરનાથ ઘોષ નામના ૩૪ વર્ષીય શાસ્ત્રીય નૃત્યકારની ગોળી મારી હત્યા કરાઈ હતી.

ભારતીયોના અપમૃત્યુ અંગેની માહિતી એકત્ર કરતાં અને બોસ્ટનમાં વસતા ડો. લક્ષ્મી થલંકીના જણાવ્યાં અનુસાર, ભારતીયોના ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓના શંકાસ્પદ મૃત્યુના બનાવોમાં થયેલો વધારો ચિંતાજનક છે.

FIIDSએ આ મામલે અમેરિકાના વિદેશ મંત્રાલય, ન્યાય વિભાગ, શિક્ષણ વિભાગ, યુનિવર્સિટીઝ, વિદ્યાર્થી સંગઠનો ઉપરાંત ભારતીય-અમેરિકન સમુદાયને વિવિધ સૂચનોની યાદી સોંપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.