Western Times News

Gujarati News

મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રા સામે બળાત્કારનો કેસ દાખલ

રેપ કેસમાં ડાયરેક્ટર સનોજ મિશ્રાની ધરપકડ

(એજન્સી)નવી દિલ્હી, પ્રયાગરાજ મહાકુંભ મેળામાં માળા વેચનારી વાઈરલ ગર્લ મોનાલીસાને ફિલ્મમાં કામ આપવાની આૅફર આપનારા ડાયરેક્ટર સનોજ મિશ્રાની દિલ્હી પોલીસે રેપ કેસમાં ધરપકડ કરી છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ નબી કરીમ પોલીસ સ્ટેશને આ કાર્યવાહી કરી હતી.

સનોજ મિશ્રા પર ઝાંસીની એક યુવતીનું ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપીને જાતીય શોષણ કર્યું અને પછી ધમકીઓ આપીને તેને ચૂપ રાખવાનો આરોપ છે.
પીડિતાએ જણાવ્યું કે, સનોજ મિશ્રા સાથે મારી મુલાકાત ૨૦૨૦માં ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. તે સમયે હું ઝાંસીમાં રહેતી હતી. થોડા સમય સુધી ચેટ અને વાતચીત બાદ ૧૭ જૂન, ૨૦૨૧ના રોજ સનોજે મને ફોન કરીને કહ્યું કે હું ઝાંસી રેલવે સ્ટેશન પર પહોંચી ગયો છું.

સામાજિક દબાણનો હવાલો આપીને મેં તેને મળવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ સનોજે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. ડરના કારણે હું તેને મળવા ગઈ. બીજા દિવસે ૧૮ જૂન, ૨૦૨૧ના રોજ સનોજે ફરીથી મને આત્મહત્યા કરવાની ધમકી આપીને રેલવે સ્ટેશન પર બોલાવી અને ત્યાંથી મને એક રિસોર્ટમાં લઈ ગયો જ્યાં તેણે મને માદક પદાર્થ ખવડાવીને મારી સાથે દુષ્કર્મ આચર્યું.

પીડિતાએ પોતાની એફઆઈઆરમાં જણાવ્યું કે, સનોજે મારા વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા અને જો હું તેનો વિરોધ કરું તો તેને જાહેર કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપી સનોજે મને ઘણી વખત અલગ-અલગ જગ્યાએ બોલાવી અને મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપી.

આ જ આશા સાથે હું મુંબઈ જતી રહી અને સનોજ સાથે રહેવા લાગી. ત્યાં પણ સનોજે મારું શોષણ કરવાનું ચાલુ રાખ્યું અને ઘણી વખત મારપીટ કરી.

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, સનોજે ત્રણ વાર બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી દીધું. ફેબ્રુઆરી ૨૦૨૫માં સનોજે મને છોડી દીધી અને ધમકી આપી કે જો હું ફરિયાદ કરીશ તો મારા અશ્લીલ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દઈશ. દિલ્હી પોલીસે પીડિતાની ફરિયાદ પર સનોજ મિશ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

સનોજે જામીન માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે સનોજનું નામ મહાકુંભ મેળાની વાઈરલ ગર્લ મોનાલીસા સાથે જોડાયું, જેને તેણે પોતાની ફિલ્મ ‘ધ મણિપુર ડાયરી’માં કાસ્ટ કરવાનો દાવો કર્યો હતો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.