Western Times News

Gujarati News

વ્યાજે લીધેલા 3.75 લાખ સામે 11.75 લાખ ચૂકવ્યા છતાં 33 લાખ માંગ્યા

પ્રતિકાત્મક

વ્યાજખોરે કાર અને બે મોટરસાયકલ વ્યાજ સામે લઈ લીધા

વડોદરા, વડોદરાના લેબર કોન્ટ્રાક્ટરને ધંધાના કામે નાણાંની જરૂરિયાત ઊભી થતાં ઓળખીતા પાસેથી રપ%ના વ્યાજે રૂ.૩,૬પ,૯૭૭ની રકમ લધા બાદ તબક્કાવાર રૂ.૧૧,૭પ,૮૦૦ ચૂકવી દીધા હોવા છતાં લેબર કોન્ટ્રાકટર પાસેથી વ્યાજની માગણી કરી ફોર વ્હીલર, બે બાઈક લઈને પણ રૂ.૩૩,૦૦,૦૦૦ની માગણી કરનાર વ્યાજખોરથી ત્રસ્ત થઈ આખરે લેબર કોન્ટ્રાક્ટરે વ્યાજખોર વિરૂદ્ધ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના મહાદેવ તળાવ પાસે રહેતા મયુરભાઈ ભૈયાભાઈ પાટીલ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. વર્ષ ર૦૧૭માં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અને શહેરના વાડી શનિદેવ મંદિર સામે રહેતા પ્રદીપ હરિશચંદ ગાયકવાડના પરિચયમાં આવ્યા હતા. પ્રદીપ હરિશચંદ ગાયકવાડ વ્યાજે નાણાં ધીરધાર હતા. ધંધાના કામે જરૂર પડતાં મયુરભાઈ પાટીલે ર૧-૧૦-ર૦ર૧થી ૧ર-૧ર-ર૦રર સુધીમાં રપ ટકાના વ્યાજે કુલ રૂ.૩,૬પ,૮૭પ લીધા હતા.

સિકયુરિટી પેટે પ્રદીપ ગાયકવાડને મયુરભાઈએ તેમના પિતાના સેન્ટ્રલ બેન્કના ચાર કોરા ચેક આપ્યા હતા તથા મયુરભાઈના બેન્ક ઓફ બરોડના ત્રણ કોરા ચેક સહી સાથે લીધા હતા. ચેક આપ્યા બાબતનું લખાણ કર્યું ન હતું. મયુરભાઈએ તબક્કાવાર વ્યાજ સહિતની રકમની ઓનલાઈન તેમજ રોકડ રકમની ચૂકવણી કરી અત્યાર સુધીમાં રૂ.૩,૬પ,૮૭પ સામે રૂપિયા પ,૭પ,૮૦૦ ઓનલાઈન પેટે તેમજ જૂન ર૦રરમાં રોકડા રૂપિયા ૧,૦૦,૦૦૦

તથા ઓકટોબર મહિનામાં ર,૦૦,૦૦૦ અને જાન્યુઆરી ર૦ર૩માં ૩,૦૦,૦૦૦ કુલ રૂ.૧૧,૭પ,૮૦૦ ચૂકવી દીધા હતા પરંતુ આ અંગેનું મયુરભાઈએ લખાણ કરેલ ન હતું. ત્યારબાદ પ્રદીપ ગાયકવાડે મયુરભાઈ પાસે રૂ.૩૩,૦૦,૦૦૦ બાકી હોવાનું જણાવી અવારનવાર ફોન કરી નાણાંની માગણી કરી હતી

તથા મયુરભાઈના ઘરે જઈ ઝઘડો કરતા મયુરભાઈના આક્ષેપો મુજબ પ્રદીપ ગાયકવાડ પાસે નાણાં ધીરધારનું લાયસન્સ પણ નથી છતાં બે વર્ષ પહેલાં પ્રદીપ ગાયકવાડે મયુરભાઈના ઘરે પહોંચી તેમના પિતા ભૈયાભાઈ પાટીલની ફોર વ્હીલર લઈ ગયા હતા.

ત્યારબાદ ચાર મહિના બાદ તમે નાણાં નથી આપ્યા તેની પેનલ્ટી પણ ચૂકવી નથી તેમ જણાવી મયુરભાઈની પ્લેટીના તથા હીરો કંપનીની એમ બે મોટરસાયકલ લઈ ગયા હતા ત્યારબાદ મયુરભાઈના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો તે દરમિયાન તેઓના ઘરે જઈને પ્રદીપ ગાયકવાડે નાણાંની માગણી કરી ઝઘડો કર્યો હતો જેથી આખરે વ્યાજખોરના ત્રાસથી કંટાળી મયુરભાઈએ પાણીગેટ પોલીસ સ્ટેશને વ્યાજખોર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.