Western Times News

Gujarati News

રશ્મિકા મંદાન્નાના નકલી વીડિયો કેસમાં FIR નોંધાઈ

દિલ્હી પોલીસના આઇએફએસઓ યુનિટે અભિનેત્રી રશ્મિકા મંદાનાના ‘ડીપફેક’ વીડિયોના સંબંધમાં એફઆઇઆર નોંધી છે. એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, તેમને મેટાને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા માટે જવાબદાર એકાઉન્ટનું યુઆરએલ (યુનિફોર્મ રિસોર્સ લોકેટર) જાહેર કરવા કહ્યું છે.

આઈપીસીની કલમ ૪૬૫ (ફોર્જરી), ૪૬૯ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) એક્ટની કલમ ૬૬સી અને ૬૬ઈ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કાનૂની કાર્યવાહી દિલ્હી કમિશન ફોર વુમન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવી હતી, જેણે અભિનેત્રી સાથે સંબંધિત ‘ડીપફેક’ વિડિયો અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું.

DCW ચીફ સ્વાતિ માલીવાલે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘અમારી સૂચના પછી દિલ્હી પોલીસે અભિનેત્રી રશ્મિકા મંદન્નાના નકલી વીડિયો કેસમાં FIR નોંધી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.’ તેના વાયરલ ડીપફેક વીડિયો સામે કડક વલણ અપનાવતા, રશ્મિકાએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોંધ લખી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, આ વીડિયો શેર કરીને મને દુઃખ થાય છે.

તેણે કહ્યું હતું કે, ‘મારે મારા ડીપફેક વીડિયો ઓનલાઈન ફેલાવા અંગે વાત કરવી છે. આવું કંઈપણ ખૂબ જ ડરામણું છે. માત્ર મારા માટે જ નહીં, પરંતુ આપણા બધા માટે કારણ કે ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.’

અભિનેત્રીએ આગળ કહ્યું કે, ‘આજે એક મહિલા અને અભિનેત્રી તરીકે, હું મારા પરિવાર, મિત્રો અને શુભેચ્છકોની આભારી છું જેઓ મારી સપોર્ટ સિસ્ટમ છે. પરંતુ જા હું શાળા કે કોલેજમાં હોત અને ત્યારે મારી સાથે આવું કંઈક બન્યું હોત તો હું કલ્પના પણ કરી શકતી નથી કે મેં પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી હોત. આવી ઘટનાઓ ફરી બને તે પહેલાં આપણે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે.’

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.