હાલોલ GIDCમાં પવનચક્કીની પાંખો બનાવતી કંપનીમાં આગ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ ઔદ્યોગિક વસાહતના ચંદ્રપુરા પાસે આવેલી અને પવનચક્કીની પાંખો બનાવતી સિમેન્સ ગમેસા રીયુએબલ એનર્જી નામની કંપનીના વિશાળ કમ્પાઉન્ડમાં બપોર બાદ અચાનક આગ લાગતા પવનચક્કીની અનેક પાંખો આગમાં સ્વાહા થઈ ગઈ હતી.
તો અનેક પાંખોને ભારે નુકસાન પણ થયું હતું. કંપનીની પાછળથી લાગેલી આગ જાેત જાેતામાં કંપની પરિસર સુધી પ્રસરી જતા અફરાતફરી મચી હતી. ફાયર ફાઇટરની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.
હાલોલના ચંદ્રપુરા ગામે સાવલી રોડ ઉપર આવેલી પવનચક્કી પાંખો બનાવતી સિમેન્સ ગમેસા નામની કંપનીના વિશાળ કમ્પાઉન્ડમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગ જાેત જાેતામાં કમ્પાઉન્ડમાં ઊગી નીકળેલા સૂકા ઘાસમાં ઝડપથી પ્રસરી જતા કંપનીમાં દોડધામ મચી હતી.
પાંખો રાખવાના લાકડા આગમાં ભડભડ સળગી ઉઠ્યા હતા. જેના ધુમાડાથી ચંદ્રપુરાના આગેવાનો પણ દોડી આવ્યા હતા અને ફાયરને જાણ કરતા હાલોલના બે, કાલોલના બે અને એમજી મોટર્સના બે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જાેકે ત્યાર સુધી પવનચક્કીમાં આગ પ્રસરીને આખા કમ્પાઉન્ડમાં ફેલાઈ જતા કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલી સેંકડો પાંખો આગની ઝપેટમાં આવી ગઈ હતી. કંપનીનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા કંપનીની ફાયર સેફ્ટી ઉપયોગી સાબિત ન થતા બમ્બા આવે ત્યાં સુધી આગ વધુ ફેલાઈ જતા ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ તાલુકાના વહીવટી તંત્રને થતા સ્થાનિક મામલતદાર અને પ્રાંત અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા.
કંપનીમાં તૈયાર કરીને રાખવામાં આવેલી સેંકડો પાંખોને નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ એક પાંખ બનાવવાનો અંદાજીત ખર્ચ એક કરોડ રૂપિયા જેટલો લાગે છે. આવી કેટલી પાંખો સળગી ગઈ અને નુકસાન થતા નકામી કેટલી થઈ એ અંગે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી,
પરંતુ વિભાગીય મેનેજર આવ્યા પછી ચોક્કસ આંકડો જણાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. હાલ કંપનીને કરોડો રૂપિયાનું નુકાસાન થયું છે. મામલતદાર દ્વારા સ્થળ પંચકયાસની કામગીરી કરવામાં આવી રહી છે.