મહેમદાવાદ નજીકની વરસોલા પેપર મીલમાં આગ લાગતા દોડધામ

(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ નજીક પેપર મીલમાં આજે એકાએક આગ લાગવાની ઘટના બની છે. વરસોલા નજીક આવેલ પેપર મીલના કંપાઉન્ડમા ભીષણ આગ લાગતા નડિયાદ, આણંદ, વિદ્યાનગરની ફાયર ફાયટર ટીમો દોડી આવી અને લાગેલ આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા છે.
મહેમદાવાદના વરસોલા થી ખેડા કેમ્પ જવાના વિસ્તારમાં આવેલ પેપર મિલમાં રવિવારે બપોરે એકાએક આગ લાગી હતી. પેપરના પુંઠાનું કામ કરતી મિલમાં બહારની બાજુ અચાનક આગ લાગતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ આગનો કોલ નડિયાદ ફાયર સ્ટેશને મળતા નડિયાદ ફાયરબ્રિગેડના બે વોટર બ્રાઉઝર સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી રહ્યા છે.
સતત પાણીનો મારો ચલાવી લાગેલ આગ પર કાબુ મેળવવા પ્રયાસ ફાયરફાયટરો કરી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આ પેપર મીલની બહાર પડેલ મુદ્દામાલમાં આજે આકસ્મિક કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગ ગણતરીના કલાકોમાં ફેલાઈ ગઈ હતી. હાલ આ આગની ઘટના અંગે સાંભળતા જ વરસોલા ગામના સરપંચ મહેબુબભાઈ સ્થળ પર દોડી આવ્યા હતા.