શાળાના ડ્રાઈવર, ટ્રાન્સપોર્ટ મેનેજર મળી 400થી વધુને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ફાયર સેફ્ટી, રોડ સેફ્ટી અને સાયબર ક્રાઇમ વિષય પર તાલીમનું આયોજન કરાયું
‘સુરક્ષિત વિદ્યાર્થી, સુરક્ષિત શાળા‘ અંતર્ગત શાળાના ડ્રાઈવર, ટ્રાન્સપોર્ટ મેનેજર મળી 400થી વધુ લોકોને તાલીમ આપવામાં આવી
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ફાયર સેફ્ટી, રોડ સેફ્ટી અને સાયબર ક્રાઇમ વિષય પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રોહિત ચૌધરી તથા સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘સુરક્ષિત વિદ્યાર્થી, સુરક્ષિત શાળા’ અંતર્ગત યોજાયેલ તાલીમમાં અમદાવાદ શહેરની શાળાઓના પ્રતિનિધિશ્રીઓ, સ્કૂલ બસ ડ્રાઈવર, સ્કૂલ વાન ડ્રાઈવર, ટ્રાન્સપોર્ટ મેનેજરને ટ્રાફિક અવેરનેસ અને રોડ સેફ્ટી વિષયે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં ફાયર સેફ્ટી વિશે પણ વાકેફ કરી પ્રેક્ટીકલ ડેમો આપી સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાયબર ક્રાઇમ વિશે પણ તમામને જાણકારી આપી પ્રેક્ટીકલ ડેમો દેખાડી સાવચેત રહેવાની અપીલ કરાઇ હતી.
પ્રથમ તબક્કાની આ તાલીમમાં અમદાવાદ શહેરના વિવિધ શાળાઓના પ્રતિનિધિશ્રીઓ, સ્કૂલ બસ અને વાન ડ્રાઈવર, ટ્રાન્સપોર્ટ મેનેજર મળી 400થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં બીજા અને ત્રીજા તબક્કાની તાલીમનું પણ આયોજન કરાશે તેવું જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુમાં, આજે અમદાવાદ શહેર જિલ્લા તાબા નીચેની અનુદાનિત માધ્યમિક શાળાઓના 6 જેટલા સેવકોને જુનિયર ક્લાર્કના પ્રમોશન ઓર્ડર આપવામાં આવ્યા હતા.