બોપલમાં તારમાં ફસાયેલા પક્ષીનો જીવ બચાવવા જતાં ફાયર કર્મીનું કરંટ લાગવાથી મૃત્યુ
મૃતકની પત્નીને નોકરી આપવાની માંગણી સાથે પરિવારજનોએ મૃતદેહનો કરેલો અસ્વીકાર
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈ અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી તેમજ જીવદયા સંસ્થાઓ અને એનજીઓના નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા. Firefighter dies of electrocution while saving the life of a bird trapped in a wire in Bopal ahmedabad.
જયારે પ્રથમ વખત જ મ્યુનિ. ફાયર વિભાગને પણ પક્ષીઓના જીવ બચાવવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી. શહેરના બોપલ વિસ્તારમાં વિજળીની હાયપર ટેશન લાઈન પર એક પક્ષી ફસાઈ જતાં ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો જેમાં પક્ષીને બચાવવાની કામગીરી કરી રહેલ અનિલભાઈ પરમાર નામના ફાયર કર્મચારીનું કરૂણ મૃત્યુ થયું હતું.
અમદાવાદમાં બોપલ-ઘુમા રોડ ઉપર દેવ રેસીડેન્સી પાસે સવારના સમયે એક પક્ષી વીજ હાઈટેન્શન લાઇનમાં ફસાયું હતું. જેને બચાવવા માટે કોલ આવ્યો અને બોપલ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયરમેન અનિલ પરમાર ત્યાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા. તેઓ જ્યારે પોતાની ટીમ સાથે પહોંચ્યા ત્યારે પક્ષી વીજલાઇન ઉપર લટકતુ હતું અને દોરામાં ફસાયેલું હતું.
તેમણે UGVCL ટીમને ફોન કરી લાઇન બંધ કરવા જાણ કરી હતી. જોકે UGVCL ટીમ આવે તેની પહેલા જ પક્ષી ખૂબ જ ચિચિયારીઓ કરતું હતું. જેના કારણે અનિલભાઈથી રહેવાયું નહોતું અને તેઓ પાઇપ લઈને બાજુમાં રહેલા દોરાને હટાવવાનો પ્રયત્ન કરવા જતાં હાઈટેન્શન વાયરને પાઇપ અડી ગયો હતો. પાઇપ અડતાની સાથે જ તેમને જોરદાર ઝટકો લાગ્યો અને તેમને ત્યાં જ ભડથું થઈ ગયા હતા. અને તેઓનું ઘટનાસ્થળ ઉપર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
આ મામલે મૃતક અનિલભાઈ પરમારના પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર બર્ડ રેસ્ક્યુના કોલમાં ગયો હતો. તે દરમિયાનમાં ત્યાં ઘટના બની હતી. કોઈ પણ પ્રકારની સેફટી ન હતી પુત્ર ગુમાવવાના કારણે પરિવાર નિરાધાર થઈ ગયો છે. મૃતક અનિલ પરમારના પત્ની ભણેલા છે. જેથી તેઓને સરકારી નોકરી આપવાની અમારી માગ છે. જ્યાં સુધી નોકરી નહીં આપવામાં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ જણાવ્યું હતું કે સવારે ૦૮ઃ૧૫ વાગ્યાની આસપાસ બોપલ વિસ્તારમાં મેપલ એપ ફ્લેટ પાસે એક પક્ષીનો રેસ્ક્યુ કોલ મળ્યો હતો. જેથી અનિલભાઈ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા હતા. જીઇબીની ટીમને જાણ કરી હતી. તેમની ટીમ ૧૫થી ૨૦ મિનિટમાં આવે તે પહેલા પક્ષી થોડી ચિચિયારીઓ કરતું હતું. જેથી અનિલભાઈ પાઇપ લઈ દોરો હટાવવા જતા તે દરમિયાનમાં વીજ વાયરને અડી જતા દુર્ઘટના બની છે.
આ સમગ્ર મામલે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ મામલે અમે સાકારાત્મક છીએ તથા તેમના પરિવારને કોઈ તકલીફ ના થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. ચર્ચા વિચારણા કરી આ અંગે નિર્ણય કરવામાં આવશે.