Western Times News

Gujarati News

‘મારે શું ?’, તેવું ગોવિંદભાઈએ વિચાર્યુ હોત તો એ બાળકી આજે જીવીત ન હોત…!

આસપાસના લોકો વિડીયો ઉતારવામાં મશગુલ હતા-યુવક ૧૦૮ને ફોન કરવા મશગુલ બન્યા-નરોડામાં મળી આવેલી નવજાત બાળકીની ઘટનાના ફર્સ્ટ પર્સન

લોકોના વિરોધ અને અવગણના વચ્ચે પણ યુવકે શૌચાલયના માળીયામાંથી કચરાનું ડસ્ટ બીન ઉતાર્યુ અને ધરતી પર એક નવજાત બાળકીનું જીવવું નિશ્ચિત બન્યું

અમદાવાદના નરોડા વિસ્તારમાં ગઈકાલે કચરાના ડસ્ટ બીનમાંથી એક નવજાત બાળકી મળી અને  સૌ પ્રથમ બાળકીને જોનાર ગોવિંદભાઈએ ૧૦૮ માં ફોન કર્યો…. ૧૦૮ સત્વરે આવી અને બાળકીને પ્રાથમિક સારવાર આપીને સીવિલ હોસ્પિટલ કેમ્પસમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ કરાઈ… ૧૦૮ તંત્રએ સેવા ધર્મ નિભાવ્યો જ છે એમાં કોઈ શક નથી પણ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરનાર ગોવિંદભાઈની સંવેદનશીલતાને પણ બિરદાવવી પડે તેમ છે..

આજે ભાગદોડ વાળી જિંદગીમાં મોટા ભાગના લોકો ‘મારે શું ?’  એવો પ્રશ્ન સ્વયં ને પૂછતા હોય છે અને જાતે જ જવાબ પણ આપતા હોય છે કે મારે શું કામ કોઈની ચિંતા કરવી..? જો લોકો આવો જઅભિગમ અપનાવે તો સમાજમાંથી સેવાનું તત્વ જ ખલાસ થઈ જાય, પણ ગોવિંદભાઈ જેવા સેવાભાવી લોકોએ ‘મારે પણ કંઈક કરવું જોઈએ’ એવો ભાવ મનમાં દૃઢ બનાવ્યો છે…

વાત કંઈક આવી છે… ગોવિંદભાઈ એક અત્યંત નિમ્ન મધ્યમ પરિવારનો ૨૧ વર્ષીય યુવાન છે. મુળ તો તે નેપાળના વતની છે પરંતુ છેલ્લા કેટાલાક વર્ષોથી અમદાવાદમાં માતા પિતા સાથે સ્થાયી થયા છે.

ગોવિંદભાઈ પોતે અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં ડેન્ટલ ક્લિનિકમાં આસીસ્ટંટ તરીકે ફરજ બજાવે છે. જ્યારે માતા નરોડા નજીક મેમ્કો વિસ્તારમાં જ આવેલી એક બિસ્કિટ કંપનીમાં  હેલ્પર તથા પિતા ચોકીદારની ફરજ બજાવે છે.  ઘરમાં ત્રણ જ વ્યક્તિઓ છે.

બનાવના દિવસે ગોવિંદભાઈ નોકરી પુરી કરી સીટી બસમાં નરોડા પહોંચ્યા, બસ સ્ટેન્ડ પરના શૌચાલયમાં લઘુશંકા માટે ગયા… ત્યાંજ શૌચાલયની અંદર છાજલી કે માળીયામાંથી કંઈક અવાજ આવ્યો… પહેલા તો ગોવિંદભાઈએ માની લીધુ કે કદાચ બિલાડીના બચ્ચાનો અવાજ છે, એમ છતા ઉત્સુકતાવશ અવાજની દિશામાં નજર કરી… માળીયામાં દેખાતા ડસ્ટબીનને નીચે ઉતાર્યુ, જોતા જ અવાચક થઈ ગયા… ડસ્ટબીનમાં એક નવજાત બાળકી હતી…

ગોવિંદભાઈ કહે છે કે,  ‘બાળકીને જોતા જ તેમણે વિચાર્યું કે શું કરું..? પણ મેં જાતે જ જાતને  જવાબ આપ્યો કે આ બાળકીને બચાવવા જે કરવું પડે તે કરવું જ જોઈએ… આસપાસના લોકો ક્યાંક કૌતુકસભર વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતા તો કેટલાક આ કહેવાતી પળોજણમાં પડવા નહતા માંગતા…

પણ મારા મનમાં એક જ વાત રમતી હતી કે કોઈ પણ ભોગે બાળકીનેબચાવવી..અને મેં તરતજ ૧૦૮માં ફોન કર્યો…૫-૭ મિનિટમાં જ એમ્બ્યુલન્સ આવી અને બાળકીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને બાળકીને સીવિલ હોસ્પિટલમાં લઈ ગઈ…’ એમ તેઓ ઉમેરે છે.

આગળની વાત તો સ્વયં સિધ્ધ છે… બાળકી હાલ સીવિલ  હોસ્પિટલામાં દેખરેખ-સારવાર હેઠળ છે… ‘રામ રાખે તેને કોણ ચાખે’  આવી કહેવતો કદાચ આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ પડી હશે..

સમાજને શરમાવે તેવી આ ઘટના જરૂર છે પણ આજે ગોવિંદભાઈ જેવા લોકો સેવા ધ્યેય સાથે સંવેદનાનો દિપ પ્રજવલિત રાખી રહ્યા છે… સલામ છે, આ સેવાના ભેખધારી ગોવિંદભાઈને.. અહેવાલ – હિમાંશુ ઉપાધ્યાય, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.