પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો મુક્તઃ પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે
પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને મુક્ત કરાયા:-વાઘા બોર્ડરથી તમામ માછીમારોનો કબજો મેળવી ટ્રેન દ્વારા વડોદરા લવાયા-મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને વડોદરાથી બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા
ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરતા હોય છે,ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે.ત્યારે કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા.મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક શ્રી જીગ્નેશકુમાર, ડો.ધ્રુવ દવે, કૌશિક દવે,પરવેઝ ઝીલાની,ઓનરાઝા મકરાની સહિતના અધિકારીઓએ તેમનો કબજો મેળવ્યો હતો.
આ તમામ માછીમારોને વર્ષ 2020માં પકડવામાં આવ્યા હતા. હજી 200 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે મુક્ત કરાયેલ માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે.માછીમારોના ચહેરા પર પોતાના વતનમાં આવવાની ખુશી જોવા મળી હતી.
80 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ દસમી નવેમ્બરે રાત્રે વાઘા બોર્ડર ખાતેથી તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો.તેમને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલ માછીમારોમાં ગીર સોમનાથના 59, દેવભૂમિ દ્વારકાના 15, જામનગરના 2, અને અમરેલીના એક મળી ગુજરાતના 77 અને દિવના 3 મળી કુલ 80 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા ગુજરાત મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘ બોર્ડેર ખાતેથી તેમનો કબજો મેળવીને ડીલક્સ ટ્રેન દ્વારા રવિવારે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા.તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હવે આ માછીમારો પોતાના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે.