વાવાઝોડા બાદ બેહાલ થયેલા કંડલાના માછીમારો બે પાંદડે થવાનો કરી રહ્યા છે પ્રયાસ
કચ્છ, બિપોરજાેય વાવાઝોડાએ કચ્છમાં મચાવેલી તબાહી બાદ હવે જનજીવન ફરી પાછું પાટે ચડી રહ્યું છે. પરંતુ કચ્છના દક્ષિણ છેડે આવેલા કંડલાને આ વાવાઝોડાએ ૧૯૯૮ની કરુણ યાદો તાજી કરાવી છે. ૨૫ વર્ષ પહેલાં કંડલામાં ત્રાટકેલા વાવાઝોડા બાદ આ વર્ષે ફરી આ વાવાઝોડાથી કંડલાના માછીમારો બેહાલ થયા છે. ફરી એકવખત પોતાના કાચા મકાનો ગુમાવ્યા બાદ માછીમારો ફરી એક વખત પાટીયું જાેડી પોતાના ઘર ઊભા કરી રહ્યા છે.
૧૯૯૮ના કંડલા વાવાઝોડામાં માછીમારોએ પોતાના અનેક સ્વજનો ગુમાવ્યા હતા. તો ખાડી વિસ્તારમાં છીછરા દરિયાઈ પાણી વચ્ચે લાકડાના પાયા પર ઊભા કરેલા બધા જ મકાનો નષ્ટ થયા હતા. આ વર્ષે કચ્છના જખૌ બંદર નજીક ત્રાટકેલા બિપોરજાેય વાવાઝોડાની અસર પણ કંડલામાં વર્તાઇ હતી.
આ વર્ષે કોઈ માનવ મૃત્યુ નોંધાયું નથી. પરંતુ છેલ્લા ૨૫ વર્ષમાં માછીમારોએ પોતાની મહેનત વડે ઊભા કરેલા ઘર બરબાદ થયા હતા. પોતાના તૂટેલા મકાન બહાર લાકડાના પાયા પર બેઠેલા માછીમાર ઇસ્માઇલભાઈએ ૧૯૯૮ના વાવાઝોડાને યાદ કરતા કહ્યું હતું કે, “છેલ્લા ૨૫ વર્ષમાં અમે જેટલો સમાન ભેગો કર્યો હતો એ બધો સામાન નીકળી ગયો છે.
આ વખતે અમારી બોટ તો બચી ગઈ છે. પરંતુ તેને ઘણું નુકસાન પહોંચ્યો છે. જાે સરકાર અમારી મદદ કરે તો જ હવે માછીમારો પાછા ઊભા થઈ શકે. દરિયાઈ ખાડીમાં આવેલી કંડલાની આ થર્મલ કોલોની ઝૂંપડપટ્ટીમાં દરિયાના પાણીથી બચવા લોકો લાકડાના પાયા પર પોતાના ઘર ઊભા કરે છે.
વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના કારણે અહીં એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે માછીમારોના આખેઆખા ઘર ઉડી ગયા હતા અને માત્ર પાયા જ બચ્યા હતા તો અનેક લોકોના ઘરના પાયા પણ તણાઈ ગયા હતા. વાવાઝોડા બાદ લોકો ખાડીમાં પોતાની તણાઈ ગયેલી વસ્તુઓ શોધી ઘરે લાવી પરત ઘર ઊભા કરી રહ્યા છે.
વાવાઝોડામાં નુકસાન પામેલા પોતાની બોટને રીપેર કરતા માછીમાર સુલેમામદ કોરેજાએ જણાવ્યું હતું કે, “૧૯૯૮ના વાવાઝોડાથી અમે હજુ માંડ ઊભા થયા હતા ત્યાં ફરી આ વાવાઝોડું આવ્યું અને અને ફરી અમારી એ જ હાલત થઈ છે. હવે ફરી અમે અમારા ઘર અને બોટને ઉભા કરીએ છીએ. વરસાદ આવવા પર છે તે પહેલાં ઘરની છત ઊભી કરી લઈએ તો પલળતા બચી જશું.
જૂન મહિનાની શરૂઆતથી જ માછીમારી બંધ હતી અને વાવાઝોડા પૂર્વે જ તંત્ર દ્વારા માછીમારો અને તેમના પરિવારોને સુરક્ષિત સ્થળ પર ખસેડતા એક પણ વ્યક્તિની મોત થઈ ન હતી. જાે કે, શેલ્ટર હોમથી પરત આવતા આ લોકોને પોતાના તૂટેલા મકાનો કરતા વધારે દુઃખ પોતાની તૂટેલી આજીવિકા જાેઈને થયું હતું.
માછીમારોની આજીવિકા તેમની બોટોને વાવાઝોડામાં ઘણી નુકસાની પહોંચી હતી. લાકડાની બોટને નાનું મોટું નુકસાન પહોંચતા હવે માછીમારોએ રીપેરીંગ કામ શરૂ કર્યું છે તો અન્ય બોટોમાં તો એન્જિન સિવાય કંઈ બચ્યું જ નથી. ખાડીમાં પોતાના ઘરની વસ્તુઓ શોધતા યુવાન માછીમાર જુનસ કોરેજાએ જણાવ્યું હતું કે, “૧૯૯૮ના વાવાઝોડા વખતે મારું જન્મ થયું ન હતું પરંતુ ઘરના વડીલો કહેતા કે એ બહુ ભયાનક હતો અને બધું જ જતું રહ્યું હતું.
આ વખતે વાવાઝોડું મે પોતે જાેયો છે અને આ વખતે પણ અમારા ઘર અને બોટને ઘણી નુકસાની પહોંચી છે. હાલ માછીમારી પણ બંધ છે ત્યારે પોતાના બાળકોને કઈ રીતે ખવડાવીએ? ચોમાસું બેસવાનું હોવાથી હાલ માછીમારી બંધ છે.SS1MS