માછીમારીની નવી સીઝન તા. ૧ ઓગસ્ટના બદલે ૧૫ ઓગસ્ટથી શરુ કરવાનો સરકારનો નિર્ણય
રાજ્ય સરકારે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલનું અભિવાદન કરતા ગુજરાતના માછીમારો
ગુજરાતમાં ચોમાસાની સીઝનને ધ્યાને રાખીએ તા. ૧ જૂન થી ૩૧ જુલાઈના સમયગાળા દરમિયાન માછીમારી બંધ સીઝન જાહેર કરવામાં આવી હતી. પ્રવર્તમાન સમય અને ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઋતુચક્રમાં આવેલા પરિવર્તનથી છેલ્લા ૫-૭ વર્ષોથી ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટ મહિનાની શરૂઆતી દિવસો દરમિયાન દરિયામાં લોપ્રેસર અને તોફાનો આવતા હોય છે.
દરિયામાં ભારે કરન્ટના કારણે ઉંચા મોજાઓની સ્થિતિને ધ્યાને લઈને તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો ગુજરાતના દરેક બંદરના બોટ એસોસીએશનો દ્વારા કરવામાં આવી હતી.
આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ રાજ્યમાં તા. ૧ ઓગસ્ટથી શરૂ થતી સીઝનમાં દરિયાઈ તોફાનોને કારણે કોઈપણ માછીમાર ભાઈઓને જાન-માલની નુકશાની ન સહન કરવી પડે તે માટે ગુજરાત સરકારે આ વર્ષે તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજ્ય સરકારના આ માછીમાર હિતલક્ષી નિર્ણય બદલ આજે ગાંધીનગર ખાતે ગુજરાતના કેટલાક માછીમાર બોટ એસોસીએશનો દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલનું અભિવાદન કરીને તેમનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે રાજ્યના શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી, શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન, અખીલ ગુજરાત માચ્છીમાર મહામંડળ, શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસીએશન, ગુજરાત પ્રદેશ માછીમાર સેલ, સીમા જાગરણ મંચ-સૌરાષ્ટ્ર પ્રાંત, સલાયા માછીમાર સહકારી મંડળી, શ્રી ચોરવાડ સમસ્ત ખારવા જ્ઞાતિ, શ્રી દક્ષિણ ગુજરાત બોટ ઓનર્સ વેલફેર એસોસીએશન,
શ્રી ધારાબંદર માછીમાર બોટ એસોસીએશન, માંગરોળ બંદર બોટ એસોસીએશન, સલાયા ફીશરમેન્સ એસોસીએશન, શ્રી માંગરોળ ખારવા સમાજ, માછીમાર બોટ એસોસીએશન, બેટ દરીયાખેડુ ફીશીંગ બોટ ઓનર્સ એસોસીએશન તેમજ બેટ બાલાપર માછીમાર સહકારી મંડળીના હોદ્દેદારોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.