“ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” : રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા
રાજ્યના કુલ ૧,૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો અમદાવાદ ખાતેથી કરાવ્યો હતો શુભારંભ
સમાજના હિતાર્થે રાત–દિવસ દોડતા પત્રકારોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે રેડક્રોસ કટિબધ્ધ – માહિતી વિભાગના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ પરિણામલક્ષી બન્યા – શ્રી અજય પટેલ
ભારતમાં પ્રેસ-મીડિયાને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે. શિયાળો,, ઉનાળો હોય કે પછી ચોમાસું, પત્રકારો હરહંમેશ સમાચરો માટે દોડતા રહેતા હોય છે. દેશમાં લોકશાહીને જાળવી રાખવા માટે તટસ્થ -સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચાડવાનું નેક કામ પત્રકારો કરે છે.
એક સ્વસ્થ અને તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ કરે છે ત્યારે તેમની સ્વાસ્થ્ય મહત્તા સમજીને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મીડિયા સંકલનની સાથે સાથે પત્રકારોને પૂરતું મહત્વ અને પત્રકારોને વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે તે માટે માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં પત્રકારો/મીડિયા કર્મીઓ માટે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન તાજેતરમાં હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અભિયાનનો ૧૫ ઓક્ટોબરે અમદવાદથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી તેમજ માહિતી-પ્રસારણ વિભાગના સચિવ શ્રી અવંતિકાસિંહ તેમજ માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીના માર્ગદર્શન હેઠળ ગત તા. ૧૫ ઓક્ટોબરથી તા. ૧૯ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના તમામ જિલ્લા મથકો ખાતે જિલ્લા માહિતી કચેરીઓ દ્વારા પત્રકાર/મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં રાજ્યના કુલ ૧,૫૩૨ જેટલા પત્રકારો/મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ હેલ્થ ચેકઅપ દરમિયાન પત્રકાર/મીડિયા કર્મીઓનું મુખ્યત્વે બ્લડ ટેસ્ટ, એક્સરે અને ઇસીજી સહિતના વિવિધ સામાન્ય ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિટામીન D, વિટામીન B12, કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ અને ડાયાબીટીસ સહિતના વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. સાથે જ, હેલ્થ ચેકઅપ ટીમ દ્વારા પત્રકાર મિત્રોને આરોગ્ય સંબંધિત અને સ્વસ્થ જીવન સંદર્ભે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
ગુજરાત રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ શ્રી અજય પટેલે જણાવ્યું હતું કે, સમાજના હિતાર્થે રાત-દિવસ દોડતા પત્રકારોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે રેડક્રોસ દ્વારા માહિતી વિભાગના સંકલનમાં આ કાર્યક્રમોનું સુદ્રઢ આયોજના કરવામાં આવ્યું હતું. આગાઉ પણ રેડક્રોસ સોસાયટી દ્વારા અમદાવાદના પત્રકારો માટે સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૧૮ જેટલા પત્રકારોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણીના પગલે અનેક પત્રકારોને ભવિષ્યમાં થનારા ગંભીર રોગોથી બચાવાયા છે. સાથે સાથે આવા અનેકવિધ અભિયાનો થકી રાજ્યના તમામ નાગરિકોને રાજ્ય સરકાર સુશાસનની અનુભૂતિ કરાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
સમગ્ર રાજ્યના પત્રકારોએ રાજ્ય સરકારની આ સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યનો મહિતી વિભાગ પત્રકારોના સ્વાસ્થ્ય જાળવણી માટે તત્પર છે તે અનુકરણીય છે. માહિતી-પ્રસારણ વિભાગ માટે પત્રકારોનું સ્વાસ્થ્ય અને તેમનું તંદુરસ્ત જીવન હરહંમેશ મહત્વપૂર્ણ વિષય રહ્યો છે. પત્રકારોના હિતાર્થે યોજાયેલા આ અભિયાનમાં સહયોગ આપવા બદલ માહિતી અને પ્રસારણ વિભાગે રેડક્રોસ સોસાયટીની સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.