એવું તે શું થયું કે બાપુનગરમાંથી એક સાથે સ્કુલે ગયેલા 5 મિત્રો ગુમ થયા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાંથી ૫ મિત્રો શુક્રવારે સવારે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. પરંતું સ્કૂલનો સમય પૂર્ણ થવા છતાં બાળકો ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. બાળકોની કોઈ ભાળ ન મળતા પરિવારજનો દ્વારા આ અંગે બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરનાં પૂર્વ વિસ્તારમાં બાપુનગર ખાતે રહેતા પાંચ મિત્ર સવારે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારે તેમાં એક પરિવારનો બાળક ધો. ૯ માં અભ્યાસ કરે છે. સગીર રોજનાં સમય મુજબ સ્કૂલેથી ઘરે સમયસર પરત ન ફરતા પરિવારજનો દ્વારા સગા સબંધીને ત્યાં શોધખોળ કરી હતી.
પરંતું બાળકોની કોઈ ભાળ મળવા પામી ન હતી. જે બાદ પરિવારજનો દ્વારા તેનાં મિત્રોને ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેનાં ચાર મિત્રો પણ સ્કૂલે ગયા બાદ પરત આવ્યા નથી. એક સાથે પાંચ સગીરો ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા.
પાંચેય સગીરનાં વિદ્યાર્થીઓ એક સાથે ગુમ થતા પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે બાળકોનાં પરિવારજનો દ્વારા એસ ટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતની જગ્યાઓએ સગીરોની શોધખોળ હાથ ધરી હતી. પરંતું તેઓની ક્યાંય ભાળ મળવા પામી ન હતી.
બાળકો બે દિવસ વીતવા છતાં પણ પરત ઘરે ન આવતા આ બાબતે એક સગીર બાળકની માતાએ બાપુનગર પોલીસ મથકે આ બાબતે જાણ કરી હતી. જે બાદ બાપુનગર પોલીસે હાલ તો અપહરણનો ગુનો નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ પાંચેય બાળકોને ભણવામાં કોઈ રૂચી ન હતી. તેવું પરિવાજનોનું માનવું છે. તેમજ પાંચમાંથી બે બાળકો બાપુનગર વિસ્તારમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા સ્કૂલમાં તપાસ કરતા પાંચેય બાળકો સ્કૂલમાં પણ નિયમિત જતા ન હોવાનું જાણવા મળ્યું છે.
બાપુનગર પોલીસ મથકે એક સાથે પાંચ બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન તેમજ તે વિસ્તારમાં લાગેલ સીસીટીવીની તપાસ હાથ ધરતા એક સીસીટીવીમાં પાંચેય બાળકો દેખાય છે.