ડબલ ડેકર ખાનગી બસ પાછળથી ભંગારથી ભરેલી ટ્રકમાં ઘૂસીઃ 5 મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/accident.jpg)
યમુના એક્સપ્રેસ વે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માતઃ ૫નાં મોત
(એજન્સી)અલીગઢ, ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ૫ મુસાફરોના મોત થયા અને ૧૫ લોકો ઘાયલ થયા હતા. યમુના એક્સપ્રેસવે નંબર ૫૬ પર એક ડબલ ડેકર ખાનગી બસ પાછળથી ભંગારથી ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ટ્રક સાથે અથડાયા બાદ બસના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં પાંચ મહિનાનું બાળક, એક મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. મુસાફરોથી ભરેલી ડબલ ડેકર ખાનગી બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી. અકસ્માત બાદ મૃતકોના મૃતદેહ બસની અંદર ફસાયેલા જોવા મળ્યા હતા. બસમાં મુસાફરી કરી રહેલા લોકો જે અકસ્માત બાદ જીવિત હતા તેઓ બારીના કાચ તોડીને બહાર આવ્યા હતા.
માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને બચાવીને સારવાર અર્થે જેવરની કૈલાશ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.