ઉત્તર-પશ્ચિમ ઝોનની વધુ પાંચ કોમર્શિયલ મિલકતોની હરાજી કરાશે
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા હવે રોજેરોજ પ્રોપર્ટી ટેક્સની મોટી રકમના બાકીદારો સામે લાલ આંખ કરાઈ રહી છે. આ એવા ડિફોલ્ટર્સ છે, જેમણે તાજેતરમાં ૧૦૦ ટકા વ્યાજમાફીની વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો પણ લાભ લીધો નથી.
પ્રોપર્ટી ટેક્સની બાકી નીકળતી રકમ બાકીદારો સમયસર ભરપાઈ કરે તે દિશામાં સત્તાધીશો તરફથી જાહેર કરાતી વિવિધ યોજના સહિતના પ્રયાસો પ્રત્યે આવા ડિફોલ્ટર્સ આંખ આડા કાન કરતા આવ્યા છે, જેના કારણે તંત્ર જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને આવા વધુ પાંચ ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકત સામે આકરા પાણીએ આવ્યું છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલી આ પાંચ મિલકતના માલિક કે કબજેદારોએ સમયસર બાકી ટેક્સ ભરવો પડશે, નહીંતર તેમની મિલકતની તંત્ર દ્વારા જાહેર હરાજી કરાશે.
ઉત્તર-પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગનાં સૂત્રો કહે છે, ઉત્તર-પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા લાંબા સમયથી ટેક્સ ભરવાનો બાકી હોય તેવી મિલકતોના કરદાતા સામે ટેક્સ વસૂલાતની કામગીરી હાથ ધરાઈ રહી હોઈ તેમની વિરુદ્ધ હરાજીની પણ કાર્યવાહી કરાઈ રહી છે.
હવે થલતેજના સંભવનાથના અપર લેવલની સની બાબુલાલ સેનના કબજાની મિલકતનો રૂ.૨૦.૧૨ લાખ, આ જ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી મિલકતનાં કબજેદાર મનીન્દરકોર સની સેનની મિલકતનો રૂ.૨૫.૭૮ લાખ, બોડકદેવના શિરીનપાર્કની મિલકત એ-૧-૧નાં કબજેદાર સોનલ આર.ઠક્કર,
વૈશાલી એસ.પટેલનો રૂ.૧.૯૨ લાખ, બોડકદેવના મૌર્ય અટરિયાના ફ્લેટ નં.૫૦૧ના કબ્જેદાર ડીઆરસી સિસ્ટમનો રૂ.૭.૩૪ લાખ અને ઘાટલોડિયાના રન્નાપાર્ક પાસેની મંજુશ્રી સોસાયટીના કોમન પ્લોટના આશાપુરા ફાસ્ટ ફૂડનો રૂ.૩.૭૧ લાખનો ટેક્સ ભરાયો નથી.
આ કુલ પાંચ મિલકતનો કુલ રૂ.૫૮.૮૭ લાખનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોઈ સત્તાવાળાઓએ ત્રણ દિવસમાં ભરપાઈ કરવાનો આદેશ આપ્યો છે. આ બાકી ટેક્સ તા.૧૦મે, ૨૦૨૩ની સ્થિતિનો હોઈ જાે કરદાતા ટેક્સ નહીં ભરે તો ટાંચ અને જપ્તીનાં વોરંટ બજાવવામાં આવશે.