સુરેન્દ્રનગરમાં ૧૫ દિવસમાં ૫ાંચ લોકોની હત્યા કરાઈ
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા ૧૫ દિવસમાં ૫ લોકોની હત્યા થઇ છે, જેમાં એક ઘટના ટ્રિપલ મર્ડરની છે. સુરેન્દ્રનગરમાં ગુનેગારોને પોલીસનો ભય જ ન રહ્યો એમ હત્યાઓ થઇ રહી છે.
જોરાવરનગરની મુખ્ય બજારમાં જીતુભા ગોહિલ મયુર પાન પાર્લરના નામે પાનની દુકાન ચલાવતા હતા. વનરાજ ખાચર અને અન્ય ૪ શખ્સોએ ત્યાં આવીને રિવોલ્વરમાંથી ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું હતું. ફાયરિંગની ઘટનામાં પાન પાર્લરના માલિક જીતુભા ગોહિલને ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.
ફટાકડાના પૈસાની ઉઘરાણી કરવા આ શખ્સો આવ્યા હતા, ત્યારે પાન પાર્લરના માલિક સાથે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં મુખ્ય આરોપી ફાયરિંગ કરનાર વનરાજ ખાચર નામના આરોપીને ઝડપી લીધો છે, સાથે જ ગુનામાં ઉપયોગ કરવામાં આવેલા હથિયાર પણ પોલીસે કબ્જે કર્યા છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રેમ પ્રકરણ મામલે માતા-પિતા અને તેના પુત્રની હત્યા કરવામાં આવી હતી.
ટ્રિપલ મર્ડરની આ ઘટનામાં પિતા ઘુઘાભાઈ દાનાભાઈ બજાણીયા અને પુત્ર ભાવેશ ઘુઘાભાઈ બજાણીયાનું પહેલા જ મૃત્યુ થયું હતું, બાદમાં સારવાર દરમિયાન ભાવેશની માતા મંજુબેન ઘુઘાભાઈ બજાણીયાનું પણ મોત થયું હતું.
થાનગઢ પોલીસે આ ટ્રિપલ મર્ડરના આરોપીઓ દિનેશ સાપડા, જેસા નરસી, દિનેશ સુખાભાઈ અને અન્ય એક એમ કુલ ૪ આરોપીઓને ઝડપી પડ્યાં હતા. પોલીસે આજે થાનગઢ હાઈસ્કૂલથી આઝાદ ચોક સુધી આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
સુરેન્દ્રનગર શહેરની ઉમિયા ટાઉનશીપમાં જન્મ દિવસની પાર્ટીમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મિત્રના જન્મદિવસની પાર્ટીની ઉજવણીમાં યુવકને રાજકોટથી બોલાવામાં આવ્યો. મિત્રોએ દારૂની મહેફિલ માણી. ત્યારબાદ મામલો બગડતા હાજર લોકોએ યુવકને માર મારી અને હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યાે છે. ઘટના સ્થળેથી ખાલી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યા હતા.
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે ડીવાયએસપી સહિતના કાફલાએ તપાસ આદરી છે, તપાસમાં યુવાનને ઉપરથી નીચે ફેંકી દીધાનું સામે આવ્યું છે. ચંદન પરમાર નામના યુવકની હત્યા કરી બીજા માળેથી ફેંકી દેવામાં આવ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યાે હતો.SS1MS