વૃદ્ધાવસ્થાને માણવાની અનોખી પાંચ રીત
વય વધવાની સાથે શારીરિક અને માનસિક શક્તિ ધીરે ધીરે ઓછી થતી જાય છે. વડીલો પરિવાર સાથે રહેતાં હોવા છતાં આજની જીવનશૈલી એવી બની ગઈ છે કે તેઓ એકલા પડી જાય છે તેના પરિણામે ધીમે ધીમે તેમનામાં એકલતા, ઉદાસી અને ડિપ્રેશન ઘર કરવા લાગે છે. તેઓ જાણે પોતાના કોચલામાં ભરાઈને રહી ગયા હોય એવું અનુભવે છે. આમ ન બને તે માટે વડીલો પોતે જ પોતાની રીતે વૃદ્ધાવસ્થાનો આનંદ માણી શકે છે. કઈ રીતે ?
૧. હેતુસભર જીવન ઃ વય વધી ગઈ કે નિવૃત્ત થઈ જવાનો અર્થ એ નથી કે જીવનનો કોઈ હેતુ નથી રહ્યો. નિવૃત્તિ બાદ તો વડીલો વધારે ઉપયોગી થઈ શકે છે. પરિવાર તેમ જ સમાજમાં પરિવારમાં તેઓ સંતાનોને સાચવી શકે છે. તેમનામાં સારા સંસ્કારનું સિંચન કરી શકે છે જયારે સમાજની વાત કરીએ તો તેઓ કોઈ એવું કામ કરી શકે છે, જે સમાજને ઉપયોગી હોય. જેમ કે કોઈ મંદિરમાં તેઓ પોતાની સેવા આપી શકે. આમ તેમને પોતાનું જીવન નિરર્થક નહી લાગે અને તેમનો સમય પણ સારી રીતે પસાર થવાથી તેઓ ખુશ રહેશે.
ર. સ્વતંત્રતાભર્યું જીવન ઃ આપણા દેશમાં નિવૃત્ત થયા પછી વડીલો માટ ેએક મર્યાદારેખા દોરી દેવામાં આવે છે. અમુક જગ્યાએ નહીં જવાનું, અમુક સમય બાદ બહાર નહીં નીકળવાનું કે અમુક કામ કરવાનું નહી. પરિણામે તેમને લાગે છે કે તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. આમ ન કરતાં વડીલોને તેમની રીતે સ્વતંત્રતાથી જીવવા દો. તેમને તેમની ઈચ્છા અનુસાર બહાર જવું હોય તો તેમને અટકાવો નહી. તેમને ઘરનું કોઈ કામ કરતા હોય ત્યારે ટોકવાને બદલે એ કામ કરવા દો. આમ કરવાથી વડીલોને લાગશે કે તેઓ નિવૃત્ત થયા બાદ પણ સ્વતંત્ર છે પોતે ઈચ્છે ત્યાં જઈ શકે છે. પોતાને ગમતું કામ કરી શકે છે.
૩. હકારાત્મક જીવન ઃ વારંવાર ના કહેવાથી કે ટોકવાથી વડીલોના મનમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય છે. તેઓ ડિપ્રેશન અનુભવે છે. આ ડિપ્રેશન વધી જાય તો તેમનું માનસિક સ્વાસ્થ્ય કથળવાની સંભાવના પણ રહે છે. તેના બદલે તેમને જે રીતે જીવવાનું પસંદ હોય એ રીતે જીવવા દો. કંઈ નિર્ણય લેવાનો હોય ત્યારે વડીલોના નિર્ણયને પણ મહત્વ આપો. આનાથી તેઓમાં હકારાત્મક ભાવના જાગશે અને તેઓ ખુશાલીભર્યું જીવન જીવશે.
૪. વર્તમાનમાં જીવન ઃ ઘણીવાર વડીલો પોતે પહેલા ંકરેલી ભુલો માટે વ્યથા અનુભવતા હોય છે કેટલાક અફસોસ વ્યકત કરે છે કે તેમને જે રીતે જીવવું હતું તે રીતે જીવી શકયા નહીં તેમના મનમાં આવો અફસોસ ન જાગે એ માટે તેમને વર્તમાનમાં જીવવા પ્રેરિત કરો. વર્તમાનમાં જીવતા વડીલો વધારે આનંદિત જીવન વ્યતીત કરી શકે છે.
પ. આપવાના આનંદની ભાવનાભર્યું જીવન ઃ વડીલોને કંઈ આપવાની ઈચ્છા હોય તો તેઓ એ આપી શકે તે માટેની તેમને છૂટ હોવી જાેઈએ. ઘણીવાર ઢળતી વયે દંપતીમાંથી કોઈ એક ન હોય, ત્યારે બીજા સાથીદારને વૃદ્વાક્ષમ, કોલેજ, સ્કૂલ, અનાથઆશ્રમમાં કઈ આપવાની ઈચ્છા હોય છે તેમની એ ઈચ્છા પુરી કરવા દો. પરિણામાં પણ જાે તેઓ કંઈ આપવા ઈચ્છતા હોય તો આપવા દો. એથી તેઓ પોતે ઉપયોગી છે એવી ખુશી અનુભવીને રાજી થશે.