Western Times News

Gujarati News

રાષ્ટ્રધ્વજ માટે વાંસમાંથી સ્ટીક બનાવતી તાપીના છિંડિયા ગામની આદિમજૂથની બહેનો

તાપી, જામનગર, અમરેલી, ગીર-સોમનાથ, વલસાડ, ભરૂચ, સુરત, ઘોઘા-ભાવનગર,અમરેલી મળી અંદાજીત 5 લાખથી વધુ વાંસની સ્ટીક માટેના ઓર્ડર મળ્યા

હર ઘર તિરંગા લહેરાવવા વિપૂલ જથ્થામાં વાંસની સ્ટીકની જરૂરિયાત ઉભી થતા તાપી જિલ્લાની સખી મંડળોના માધ્યમથી તાપી સહિત અનેક જિલ્લાઓમાંથી વાંસની સ્ટીકના ઓર્ડર મળ્યા

વાંસકામની કલામાં માહિર કોટવાડિયા લોકો આ ચેલેન્જને સ્વિકારી સમયસર વાંસની લાકડીઓ પુરી પાડવા તૈયાર: છ થી સાત ગામના તમામ ભાઇ-બહેનો એક સાથે કામગીરીમાં જોડાયા:

આઝાદી કા અમૃત મહોત્વની દબદબાભેર ઉજવણી માટે દેશના ખૂણે ખૂણે જ્યારે જનસંવેદના સાથે  અભિયાન શરૂ થયું છે ત્યારે કોટવાળિયા સમુદાયના અત્યંત ગરીબ બહેનો કે જે વાંસમાંથી પારંપારિક ચીજ વસ્તુઓ બનાવે છે તેઓને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ નાનકડો વિચાર આપ્યો અને હર ઘર તિરંગા લહેરાવવા વિપૂલ જથ્થામાં વાંસની જરૂરિયાત ઉભી થઈ અને સખી મંડળોના માધ્યમથી છ થી સાત ગામની સો થી વધુ બહેનો સહિત યુવાનોને રોજગારી મળી અનેક જિલ્લાઓમાંથી વાંસની સ્ટીકના ઓર્ડર મળ્યા.

-આલેખન-નિનેશ ભાભોર

આઝાદી કા અમૃત મહોત્સવની દબદબાભેર ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાના અમૂલ્ય અવસરને લોકો અનેક રીતે વધાવવા તૈયાર છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાથી માત્ર ૫ કિ..મી.ના અંતરે આવેલ છિંડિયા ગામના આદિમજૂથના કોટવાડિયા સમાજના લોકોને જાણે લોટરી લાગી ગઈ એવા ઉત્સાહથી રાષ્ટ્રધ્વજ ના નિર્માણ માટે અંદાજીત પાંચ લાખથી વધુ સંખ્યામાં વાંસમાંથી સ્ટીક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.

તાપી જિલ્લામાં વિકાસ માટે ખૂબ જ તત્પર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ અને સમગ્ર પંચાયત તંત્રના સંકલનથી તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કોટવાડિયા જાતિના લોકો સમક્ષ જઈ “હર ઘર તિરંગા” માટે વાંસમાંથી સ્ટીક બનાવવાની વાત કરવામાં આવી. છિંડિયા ગામે જઈ લોકોને વાત કરતા જ લોકો ખૂબ રાજી થઈ ગયા કે અમને કલ્પના પણ ન હતી કે આટલી મોટી સંખ્યામાં અમને કામ મળશે. એક નાનકડો આઈડિયા મોટુ કામ કરી ગયો અને રોજગારીની વિપુલ માત્રામાં સર્જન થયું.

દક્ષિણ ગુજરાતમાં મહદઅંશે વસતા કોટવાડિયા જાતિના લોકો આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ પછાત છે. તેઓની વાંસમાંથી ચીજ-વસ્તુઓ બનાવવાની કલા પ્રખ્યાત છે. સુશોભનની વસ્તુ હોય કે ઘરવપરાશની ચીજ ની જરૂરિયાત હોય પોતાની કલ્પનાથી વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનો હુન્નર આ જાતિના લોકોમાં જોવા મળે છે. પારંપારિક ભાતીગળ સંસ્કૃતિ હજુ પણ આ ગામડાઓમાં જોવા મળે છે. ખેતીકામમાં ઉપયોગમાં આવતી ઘણીબધી વસ્તુઓ વાંસમાંથી બનાવવામાં આવે છે. જેમાં સુપડા,ટોપલા,ટોપલી,ડાલુ, અનાજ ભરવાના પાલા તથા ખેતીકામમાં બળદના મોં પર બાંધવામાં આવતા ગોળવા આ તેમની પરંપારિક ચીજ-વસ્તુઓ છે. આ લોકોને વધુ પૈસા મળી રહે તે માટે પ્રવાસન ઉદ્યોગને વેગ આપતી કલાત્મક સુશોભનની વસ્તુઓ બનાવવા માટે સરકાર તરફથી વિશેષ તાલીમ આપી આર્થિક રીતે સધ્ધરતાના માર્ગે લઈ જવાના પ્રયાસો સતત ચાલુ રહે છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી આ સમુદાયના લોકો માટે નવીન અભિગમ સાથે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. માન.વડાપ્રધાનશ્રીના “હર ઘર તિરંગા અભિયાન” માટે મોટા જથ્થામાં વાંસની લાકડીની જરૂરિયાત ઉભી થશે અને ખાસ કરીને વાંસકામની કલામાં માહિર કોટવાડિયા લોકો આ ચેલેન્જને સ્વિકારી જરૂરિયાતો પુરી કરશે. લોકોને રોજગારી પણ મળશે અને તેમના ઉત્સાહમાં વધારો પણ થશે. આ વિચાર લોકો સમક્ષ જ્યારે મુક્યો ત્યારે લોકો ખૂબ આનંદમાં આવી ગયા. લોકોને પોતાના ઘરે તિરંગો લહેરાવવા આપ્યો અને ઉત્સાહભેર લોકોએ પોતાના ઘરે તિરંગો લહેરાવી તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા”નો પ્રારંભ કરી દીધો.

વન વિભાગના નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું હતું કે, કોટવાળિયા સહિત જંગલ વિસ્તારના ગામોમાં જોઈન્ટ મેનેજમેન્ટ કમિટિ બનાવવામાં આવે છે. જેના મારફત દર વર્ષે જંગલોમાંથી નિઃશુલ્ક વાંસ પુરા પાડવામાં આવે છે. ગત વર્ષે ૩.૫ લાખ વાંસ રોજગારી માટે વિતરણ કરાયા હતા.

ગ્રામ વિકાસ નિયામક અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા માટેના રાષ્ટ્રધ્વજ  બનાવટ માટે વાંસની લાકડી પુરી પાડવા માટે તાપી જિલ્લો કટીબધ્ધ છે. અમને તાપી-૫૦,૦૦૦,જામનગર પ્રાંત ૮૫,૦૦૦૦, અમરેલી પ્રાંત-૬૫,૦૦૦,ગીર-સોમનાથ-૭૦,૦૦૦,વલસાડ-૬૪,૦૦૦, ભરૂચ-૪૦,૦૦૦,સુરત-૫૪,૦૦૦, ઘોઘા-ભાવનગર -૧૧,૦૦૦,અમરેલી-૨૦,૦૦૦ જેટલી વાંસની સ્ટીક માટેના ઓર્ડર મળ્યા છે. જેના વેચાણથી સખી મંડળની આ બહેનો સહિત લોકોને સારી આવક મળી રહેશે.

ગામના સરપંચશ્રી હેમંત ગામીતે જણાવ્યું હતું કે, અમારા ગામના લોકોને આટલા મોટા પ્રમાણમાં રોજગારી મળી એ બહું મોટી વાત કહેવાય. અમારી આજુબાજુના ગામ અંતાપુર,ગડત,પાલાવાડી,ધંતુરી,બેડકુવા વિગેરે ગામોના લોકોને પણ બોલાવ્યા છે. જેથી સમયસર અમે વાંસની લાકડી પુરી પાડીશું.

મદાવ ગામના મહિલા ખેડૂત સુધાબહેન ગામીતે પોતાના મોટા બાંમ્બુ વાંસની આખી જાળ વેચી દીધી અને એક વાંસના સો રૂપિયા લેખે તેમને અંદજીત દશ હજાર રૂપિયા મળી રહેશે.

રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ સહિત વિવિધ જરૂરીયાતમંદ સમુદાયોના લોકો માટે અનેક લાભકારી યોજનાઓનું નિર્માણ થયું છે અને અમલવારી પણ થઈ રહી છે. વિકાસની મુખ્યધારામાં તેઓને લાવવા માટે સરકાર વિવિધલક્ષી કાર્યક્રમો થકી તેમને સહયોગી બની રહી છે. જેમાં તાપી જિલ્લાનું ઉદાહરણ આ ઉક્તિને સાર્થક કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.