Western Times News

Gujarati News

અમેરિકાના આકાશમાં ભેદી ચીજાેની ઉડાન

અમેરિકાના ૮૦ ટકા લોકો ઉડતી રકાબીનું રહસ્ય સરકાર છુપાવતી હોવાનું માને છે. અમેરિકાએ ત્રણ દિવસમાં ત્રણ પદાર્થ તોડી પાડ્યા તે ઘટનાથી ફરી એક વખત ઉડતી રકાબી અને પર ગ્રહવાસીઓના અસ્તિત્વ જેવા મુદ્દા ચર્ચામાં આવી ગયા છે

અમેરિકાના આકાશમાં કંઈક અસામાન્ય કહી શકાય તેવી ભેદી ઘટનાઓ બની રહી છે. અમેરિકાએ ચીનનું જાસૂસી બલૂન તોડી પાડ્યું, તેના એક અઠવાડિયામાં અમેરિકાના આકાશમાં દેખાયેલા ત્રણ અજાણી ચીજવસ્તુ કે પદાર્થને અમેરિકન એરફોર્સે તોડી પાડ્યા હતા. ૧૦મી ફેબ્રુઆરીએ અલાસ્કા અને ૧૧મીએ નોર્થ વેસ્ટ કેનેડામાં અમેરિકન સરહદથી માત્ર ૧૦૦ કિ.મી. દૂર યુકોન પ્રાંતમા બે ઉડતા પદાર્થ તોડી પડાયા હતા. ૧૨મી તારીખે યુએસ-કેનેડા સરહદ નજીક લેક હુઓન પર ઉડતા વધુ એક અષ્ટકોણીય પદાર્થને તોડી પડાયો. અમેરિકન એરફોર્સ દ્વારા શાંતિના સમયમાં ઉપરાછાપરી ત્રણ ઓપરેશન કરાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. હવે સવાલ એ છે કે, તોડી પડાયેલા પદાર્થ શું હતા? યુ.એસ. મીલીટર કહે છે કે, એ બલૂન નહોતા એટલે જ અમે તેને ઓબ્જેક્ટ કહીએ છીએ પણ તે શું છે, કોણે મોકલ્યા છે અને તેનો હેતુ શું છે તેનો કોઈ જવાબ મળતો નથી.

શું તે એ પદાર્થો પરગ્રહવાસીઓએ મોકલ્યા હોઈ શકે? તેવા સવાલના જવાબમાં નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ તેમ જ નોર્ધન કમાન્ડના વડા જનરલ ગ્લેન વેન હર્ક એ કહ્યું કે, આ પદાર્થો શું છે તે ઈન્ટેલિજન્સ અને કાઉન્ટર ઈન્ટેલિજન્સ એજન્સીઓને નક્કી કરવું દો. હજુ સુધી તેઓ પણ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી. હું કોઈ સંભાવવાનો નકારતો નથી.

આ ઘટના અને ઉપરોક્ટ નિવેદન પછી યુએફઓ અને એલિયનનો મુદ્દો નવેસરથી ગાજ્યો છે. આપણે ગુજરાતીમાં જેને ઉડતી રકાબી કહીએ છીએ, તે યુએફઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે ગપગોળા છે? એ કદાચ ગપગોળા હોય તો પણ લાંબા સમયથી ચાલે છે. કેટલાક કિસ્સા ખૂબ જાણીતા છે. વર્ષ ૨૬ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ યુએસ મરીનના જવાનોએ સાઉથ ઈંગ્લેન્ડના રેનડેલશામ ફોરેસ્ટમાં પ્રકાશના ગોળા ઉતરતા જાેયા હતા. ત્યાંના લશ્કરી મથકના લેફ્ટનન્ટ કર્નલ હોલ્ટના કહેવા મુજબ એ વસ્તુ વૃક્ષો વચ્ચેથી રસ્તો કરતી જમીન પર આવી. તેઓ તેની નજીક ગયા ત્યારે અચાનક તે એક ખુલ્લા મેદાનમાં પહોંચી ગઈ અને પછી વિસ્ફોટ સાથે ફાટી ગઈ. આજે આટલા વર્ષો પછી પણ એ ઘટનાનું રહસ્ય ઉકેલી શકાયું નથી. યુએફઓ સાથે આવી અનેક કથાઓ જાેડાયેલી છે.

ઉડતી રકાબીઓ સદીઓથી આકાશ અને ધરતી બંનેને ધુણાવી રહી છે. પાસપોર્ટ ટુ મોંગોલિયા નામના પુસ્તકમાં લેખક જેકવીસ વેલીએ ઈ.સ. ૯૮૯થી ૧૬૦૬ સુધીની ઉડતી રકાબીઓની ઘટનાઓ વર્ણવી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, અનેક મહાનુભાવોએ ઉડતી રકાબી જાેયાના દાવા કર્યા છે. બ્રિટનના કિંગ ફિલિપનો એ ગમતો વિષય હતો. સાત વર્ષ સુધી તેમની સાથે રહેલા રોયલ એરફોર્સના કમાન્ડર સર પીટર હોર્સલી લિખિત સાઉન્ડ ફ્રોમ અધર રૂમ નામના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, યુએફઓ જાેયું હોવાના દાવો કરનાર લોકોને પ્રિન્સ ફિલિપ ગુપ્ત રીતે બકિંગહામ પેલેસમાં બોલાવતા અને ખૂબ રસપૂર્વક બધી વિગતો જાણતા લોર્ડ માઉન્ટબેટને તો ૧૯૫૫માં તેમની બ્રોડલેન્ડ એસ્ટેટમાં સિલ્વર કલરનું સ્પેસશિપ લેન્ડ થતું જાેયું હતું અને તે અંગે તેમણે સત્તાવાર રિપોર્ટ પણ કર્યો હતો.

૧૯ જુલાઈ ૧૯૫૨ના રોજ વોશિંગ્ટન એરપોર્ટના રડાર પર એક પદાર્થ દેખાયા બાદ એરફોર્સના પાયલોટ એફ-૯૪ જેટ વિમાનો લઈને તેને આંતરવા ઉડ્યા હતા પણ વીલા મોઢે પાછા ફર્યા હતા. ૧૨ નવેમ્બર ૧૮૮૭ના રોજ સાયબેરિયન નામના અને ૧૫ મે ૧૮૭૯ના રોજ વલ્ચર નામના બે જહાજાેએ પર્શિયન સમુદ્રમાં ઉડતી રકાબી જાેઈ હતી તેવું નેવી જર્નલમાં પણ નોધાયેલું છે. શિકાગોથી થોડે દૂર વોલ્ટર મેક્કન નામના એક માણસે ૧૧ એપ્રિલ ૧૮૯૭ના રોજ વિમાન જેવી ઉડતી રકાબીનો ફોટો પાડ્યો હતો. અમેરિકાના અખબારોએ એ તસવીર સાચી હોવાનું પ્રમાણપત્ર આપીને ફ્રન્ટ પેજ પર પ્રસિદ્ધ કરી હતી. ફ્રાન્સના લોકો પણ માનતા કે, પરગ્રહવાસીઓ છાશવારે પૃથ્વી પર વિમાનો મોકલે છે. ઈ.સ. ૧૮૬૦માં ફ્રાન્સના શાસકોએ તો ઉડતી રકાબીના ચિત્રવાળો ચલણી સિક્કો પણ બહાર પાડ્યો હતો.

૪ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ યુએસ સેનેટર અને અમેરિકાની આર્મ્ડ સર્વિસ કમિટીના ચેરમેન રિચાર્ડ બી.રસેલ રશિયાના ટ્રાન્સકેક્ટ્‌સ પ્રાંતમાંથી ટ્રેનમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે બે ઉડતી રકાબી જાેઈ હતી. સેન્ટર રસેલ જેવી મોટ ગજાની વ્યક્તિએ ઉડતી રકાબી વિષે સરકારને અહેવાલ આપ્યા બાદ અમેરિકાની વિવિધ એજન્સીઓએ ગુપ્ત તપાસ અભિયાન આદર્યું હતું. એ અહેવાલને ટોપ સિક્રેટ કેટેગરીમાં સ્થાન આપી ગુપ્ત રખાયો હતો. એવો જ એક બનાવ ન્યૂ મેક્સિકોના રોઝવેલ ગામ નજીક બન્યો હતો. મેક બ્રાઝલ નામના એક માણસે ત્રીજી જુલાઈ ૧૯૪૭ના રોજ ગામના પાદરામાં એક વિમાનનો કાટમાળ જાેયો. તેણે કેટલોક ભંગાર વીણીને ઘરભેગો પણ કરી દીધો. બાદમાં રોઝવેલના શેરીફે જાણ કરતાં એરફોર્સ અને મિલિટરી કાફલાએ એ વિસ્તારને કોર્ડન કરી બધો કાટમાળ ઉઠાવી લીધો. મેક બ્રાઝલને આઠ દિવસ માટે આર્મી એરફિલ્ડના કર્નલ વિલિયમ બ્લાનસર્ડે એ કાટમાળ યુએફઓનો હોવાની જાહેરાત કરતાં સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ હતી.

જાેકે ત્યાર પછી સરકારે ફેરવી તોળ્યુ અને એ કાટમાળ હવામાન ખાતાના બલૂનનો હોવાનું જાહેર કરી એ ઘટના પર પડદો પાડી દીધો હતો. આ દરમિયાન સેન ડિએગો પાસે જુલાઈ ૨૦૧૯માં જાેવા મળેલા એક ઓબ્જેક્ટનો યુએસ નેવી એરક્રાફ્ટે ઝડપેલો વીડિયો ૨૦૨૧માં લીક થઈ ગયો હતો. તેમાં દરિયાની સપાટીથી થોડે જ ઉપર પ્રકાશમાન ગોળારૂપે ઉડતો એક પદાર્થ વીજળીક ગતિએ અર્દશ્ય થઈ ગયો હતો. તેની થોડી સેકન્ડ પછી તે યુએસના પ્રિસેટન શિપના રડારમાં ૬૦ માઈલ દૂર દેખાયો હતો. એરફોર્સ અને નેવી વિમાનોના રડારમાં પકડાઈ ગયેલા આવા ઓબ્જેક્ટના બીજા પણ કેટલાક ક્લાસિફાઈડ વીડિયો લીક થયા હતા. તેમાં કેટલીક ઘટનાઓ નજીકના ભૂતકાળમાં જ બની છે. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સિનસિનાટીથી ફિનિક્સ જતા અમેરિકન એરલાઈન્સના એક વિમાનની ઉપર જ લાબા સિલિન્ડર આકારની કોઈ વસ્તુ ઉડતી નજરે પડી હતી. ૨૦૧૯માં યુએસ નેવીના વિમાનોએ ત્રિકોણ આકારના ઉડતા પદાર્થનો વીડિયો ઉતાર્યો હતો.

અન્ય એક બનાવમાં ત્રણ અત્યંત પ્રકાશિત ગોળા નજરે પડ્યા હતા. એક ઘટનામાં પાયલોટે કરેલા વર્ણન મુજબ કલાકના આઠ હજાર કિમીના ગતિથી કોઈ પણ જાતના અવાજ વગર ઉડતો એ પદાર્થ ઘડીના છઠા ભાગમાં સ્થિર થયો, પછી એક જ સેકન્ડમાં એશી હજાર ફૂટ નીચે ઊતર્યો અને ફરી એજ ગતિએ ઉપર આવી આકાશમાં ઉડતો રહ્યો. આવી ટેકનોલોજી પૃથ્વી પરના એકપણ દેશ પાસે નથી એવુ બધા સ્વીકારે છે. નેવી અને એરફોર્સના લીક થયેલા આ વીડિયો સાચા હોવાનું જણાવી પેન્ટાગોને પણ સત્તાવાર રીતે ત્રણ ક્લાસિફાઈડ વીડિયો જાહેર કર્યા હતા. એવું કહેવાય છે કે, અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગને પણ ઉજતી રકાબીના દર્શન કર્યા હતા. તેમણે તો પરગ્રહવાસીઓ કદાચ આક્રમણ કરે તો અમેરિકા અને રશિયાએ થોડીવાર માટે કોલ્ડ વોર બંધ કરીને સંયુક્ત રીતે તેમનો સામનો કરવો જાેઈએ એવું સૂચન પણ કર્યું હતું. બે વર્ષ પહેલાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પણ કહ્યું હતું કે, યુએફઓ અંગે મિલિટરી પાસે અનેક ફૂટેજ છે પણ આકાશમાં ઉડતા એ રહસ્યમય પદાર્થો શું છે એ અમને ખબર નથી.

આ પહેલા સાઠના દાયકામાં યુએફઓના રહસ્ય ભેદવા અમેરિકાએ પ્રોજેક્ટ બ્લૂ બુક અમલી કર્યો હતો. બાદમાં એ પદાર્થ અમેરિકા માટે ખતરારૂપ નથી એમ જણાવીને ૧૯૬૯માં એ પ્રોજેક્ટ બંધ કરી દેવાયો. નેવી અને એરફોર્સના વીડિયો લીક થયા બાદ ૨૦૨૨માં કોંગ્રેસ સમક્ષ કેટલાક ડિક્લાસિફાઈડ દસ્તાવેજાે, તસવીરો અન વીડિયો દસ્તાવેજાે રજૂ કરાયા હતા. સરકારે એ પદાર્થ પરગ્રહવાસી મોકલતા હોવાની સંભાવનાને રદિયો આપ્યો હતો, પરંતુ સાથે અનેક કિસ્સામાં તે શું છે એ ખબર ન હોવાનું પણ તેમણે કબૂલ્યું હતું. પરિણામે વધુ સવાલ સર્જાયા હતા. જુલાઈમાં યુએફઓના અભ્યાસ માટે ઓલ ડોમેઈન એનોમલી રિઝોલ્યુશન ઓફિસ નામે એક નવી વ્યવસ્થા કરાઈ હતી. યુએફઓને લગતા કિસ્સાની તપાસમાં ૧૬૩ પદાર્થ બલૂન અને ૨૬ પદાર્થ ડ્રોન હોવાનું ખૂલ્યું હતું, જ્યારે ૧૭૧ પદાર્થ શું હતા તે સમજી શકાયું નથી. અમેરિકાના ૮૦ ટકા લોકો ઉડતી રકાબીનું રહસ્ય સરકાર છુપાવતી હોવાનું માને છે. અમેરિકાએ ત્રણ દિવસમાં ત્રણ પદાર્થ તોડી પાડ્યા તે ઘટનાએ ઘેરુ રહસ્ય સજ્ર્યું છે અને સાથે જ ફરી એક વખત ઉડતી રકાબી અને પરગ્રહવાસીઓના અસ્તિત્વ જેવા મુદ્દા ચર્ચામાં આવી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.