Western Times News

Gujarati News

વરસાદના લીધે દુબઇમાં આવ્યું પૂરઃ તરતી જોવા મળી ગાડીઓ

સંયુક્ત આરબ અમીરાતના ઘણા ભાગોમાં હવામાન બદલાઈ ગયું અને ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો

અમીરાત, સંયુક્ત આરબ અમીરાત, જે તેના સુકા રણ માટે જાણીતું છે, ત્યાં વારંવાર એવો ભારે વરસાદ પડે છે કે તેના કારણે ત્યાં પૂર આવે છે.  આવું જ એક દ્રશ્ય આ ત્યાં જાેવા મળ્યું, જ્યારે દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું. આ વરસાદને કારણે લોકોના વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને અહીં-તહીં વહી ગયા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે દુબઈ પોલીસે લોકોને ચેતવણી આપી કે તેઓ પરિસ્થિતિ જાેઈને જ પોતાના વાહનો બહાર કાઢે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, શુક્રવારે સવારે સંયુક્ત આરબ અમીરાતના ઘણા ભાગોમાં અચાનક હવામાન બદલાઈ ગયું અને ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો. વરસાદ એટલો જાેરદાર હતો કે થોડી જ વારમાં ત્યાંના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા અને વાહનો પાણીમાં તરવા લાગ્યા. પૂરના વધતા જાેખમને જાેતા, દુબઈ પોલીસે લોકોને બીચથી દૂર રહેવા અને ઘરની અંદર રહેવાની ચેતવણી આપી છે.

ભારે વરસાદને કારણે ત્યાં રોડ ટ્રાન્સપોર્ટ અને એરક્રાફ્ટ ઓપરેશનને પણ અસર થઈ હતી. ખરાબ હવામાનને કારણે શુક્રવારે ત્યાં પ્લેન સેવાઓ રોકી દેવામાં આવી હતી અને બસો પણ રસ્તાઓ પર દોડી શકી ન હતી.

પોલીસે કહ્યું કે જાે ભારે વરસાદને કારણે કોઈની કારને નુકસાન થાય છે, તો તેણે વીમાનો દાવો મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડશે. આ માટે ક્ષતિગ્રસ્ત વાહનનો ફોટોગ્રાફ અથવા વિડિયો ટેપ લેવાની રહેશે. લોકોને રસ્તા પર વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવા અને તેમની ઝડપ ઓછી રાખવાની સલાહ આપવામાં આવી છે. રસ્તાના કિનારેથી સુરક્ષિત અંતર જાળવો. લો-બીમ હેડલાઇટનો ઉપયોગ કરો અને તમારી વિન્ડસ્ક્રીન અને બ્રેક્સને સારી રીતે તપાસો.

દુબઈ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે આંશિક વાદળછાયું રહેશે અને ભવિષ્યમાં પણ વરસાદની સંભાવના છે. રોઇટર્સના સમાચાર અનુસાર, શુક્રવારે ભારે વરસાદને કારણે દુબઇ આવતી ૧૩ ફ્લાઇટ્‌સને પડોશી એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે ૬ આઉટગોઇંગ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી હતી. દુબઈ એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.