ચોમાસામાં ફૂલના પાકને મોટું નુકસાન થતાં ગલગોટા અને ગુલાબની કિંમતો 3 ગણી થઈ
રૂ.૩૦થી પ૦ના કિલો મળતા ગલગોટા-દેશી ગુલાબના હોલસેલ ભાવ કિલોએ 80 હતો તે હવે 400 થયો
(એજન્સી)અમદાવાદ, શહેરમાં લગ્નગાળાની સિઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે લગ્ન સમારંભના ડેકોરેશન અને પૂજાવિધિમાં જરૂરી ફૂલોના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે જેના કારણે લોકોને તેની ઈવેન્ટમાં ફૂલોના ડેકોરેશન માટેના બજેટમાં વધારો કરવો પડયો છે. એક તબક્કે રૂ.૩૦થી પ૦ના કિલો મળતા ગલગોટાના ફૂલ પણ અત્યારે ગુલાબની કિંમતની બરાબરી કરી રહ્યા છે. ફૂલોના ભાવ બમણાથી પણ વધુ થયા છે.
દેશી ગુલાબના હોલસેલ ભાવ કિલોએ રૂપિયા ૮૦થી ૧૦૦ હોય છે તેના બદલે તેના હાલના ભાવ રૂપિયા ૩૦૦થી ૪૦૦ પ્રતિકિલો થયા છે. આ વખતે ચોમાસા દરમિયાન ખેતરોમાં પાણી ભરાવાના કારણે ફૂલોના પાકને નુકસાન થયું હતું. ઉપરાંત હાલમાં લગ્નની માંગ પણ વધી છે.
બીજી તરફ મહારાષ્ટ્ર અને બેંગ્લુરૂથી આવતા ડચ ગુલાબ, જરબેરા જેવા ફૂલોની આવક ઓછી છે જ્યારે લોકલ બજાર, રાજકોટ, વડોદરા, સુરત શહેરમાંથી પણ ફૂલો આવે છે જેમાં ગલગોટા, સેવંતી, ગાદલિયો, દેશી ગુલાબની આયાત ગુજરાતમાંથી થાય છે.
ફૂલ બજાર એસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળામાં પુષ્કળ ફૂલો આવતા હોય છે. ખાસ કરીને ગાદલિયો, ગલગોટા જેવા ફૂલો વધુ થાય છે, પરંતુ આ ફૂલોની આવક ઓછી છે. ફૂલોના હોલસેલ ભાવમાં જ ગત વર્ષ કરતાં આ વખતે બે ગણાથી પણ વધુ ભાવ નોંધાયા છે અને હોલસેલ ફૂલોના ભાવ બાદ રિટેલ ફૂલોના ભાવ પણ વધતા ગ્રાહકોને ફૂલોના ભાવ વધારે ચૂકવવા પડે છે. ગલગોટાના ફૂલોનો ભાવ પ૦થી ૬૦ રૂપિયા હોય છે
જ્યારે હાલમાં તેનો હોલસેલ ભાવ વધીને કિલોએ રૂ.ર૦૦ છે. ગુલાબની પાંખડી ૧૦૦થી પ૦૦ રૂપિયા કિલો હોય છે. તેના બદલે હાલમાં તેનો ભાવ ર૦૦થી રપ૦ રૂપિયામાં કિલો છે. સફેદ ફૂલોનો ભાવ રૂ.પ૦ના કિલોના બદલે હાલમાં વધીને ર૦૦ રૂપિયા કિલો થયા છે. ગાદલિયા ફૂલ જે ૩૦થી ૪૦ રૂપિયામાં કિલો મળતાં હતા તે હાલમાં ૧પ૦ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ગુલાબ માટે તો ખાસ ઓર્ડર આપવો પડે છે. લગ્ન કે ખાસ પ્રસંગે ગુલાબનો ઓર્ડર એડવાન્સ આપવો પડે છે.
લગ્નસરાની સિઝન કે ધાર્મિક તહેવારો દરમિયાન ફૂલોની માંગમાં ધમણો વધારો થાય છે. જેની સાથે ફૂલોની કિંમતમાં પણ આસમાની વધારો થતાં ફૂલોની મહેક ફીકી પડે છે. બીજી તરફ સતત ચોમાસાનું લંબાવું અને હાલમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થતાં ફૂલની આવક પણ ઘટી રહી છે જેની સામે કમૂરતા પત્યા બાદ લગ્નસરાની સિઝનના કારણે ફૂલોના ભાવમાં વધારો થયો છે. લગ્નગાળા દરમિયાન ફૂલનો ડેકોરેશન માટે ખાસ ઉપયોગ થતો હોય છે.
હાલમાં નેચરલ અને આર્ટિફિશિયલ ફૂલોનું ચલણ વધ્યું છે. પણ લોકો નેચરલ ફૂલો માટે હજુ પણ આગ્રહ રાખે છે. જથ્થાબંધ ફૂલના ભાવ વધવાની સાથે તૈયાર હાર, કાર ડેકોરેશનના ભાવ પણ વધી ગયા છે. હાલમાં લગ્નની સિઝન હોવાથી ફૂલના ભાવ ઉંચા છે.
ગુલાબના ભાવ એક ઝૂડીના ર૦થી વધીને ૬૦ રૂપિયા થયા છે. વિદેશી ફૂલની પણ વધારે ડિમાન્ડ છે. ડચ ફલાવર, જેરબેરા, ઓર્કિડ વગેરે ફૂલોને ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાય છે. પારસ, સેવંતી, લીલી, જરબેરા અને ગલગોટાની માંગ હાલ વધારે છે.
લગ્નશાળાની સિઝનમાં વિવિધ પૂજા અને ફેરા સહિતની જુદી જુદી વિધિમાં ફૂલની માંગ જોવા મળે છે. વધુમાં હાલ વરરાજાની કારમાં પણ ડેકોરેશન માટે ગુલાબના સાચા ફૂલ લગાડવાનો ક્રેઝ જોવા મળે છે. દુલ્હનો પણ હલ્દી તેમજ મહેંદી જેવી રસમોમાં સાચાં ફૂલના હાર પહેરવાનું વધુ પસંદ કરતી હોય છે ત્યારે હાલમાં ગુલાબ અને ગલગોટા સહિતના ફૂલોની વધુ માંગ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાંથી આવતા પુરવઠાથી માંગને પહોંચી વળાય તેમ ન હોવાથી મુંબઈ અને મહારાષ્ટ્ર સહિતના સેન્ટરમાંથી ટ્રેન દ્વારા ફૂલો મંગાવવામાં આવે છે.