નવરાત્રિમાં ફૂલના ભાવ બમણા: ભક્તિ કરવી મોંઘી

ફૂલના ભાવ વધી જવાના કારણે માઈ ભક્તોમાં કચવાટ
અમદાવાદ, રાજ્યભરમાં નવરાત્રિનો ઉત્સવ આસ્થા અને ભક્તિ સાથે ઊજવાઈ રહ્યો છે ત્યારે મા શક્તિની આરાધનાના પર્વમાં માને ચઢાવાતા ફૂલ અને હારના ભાવ વધતાં જ પરિસ્થિતિ ફૂલ બને અંગારે જેવી થઈ ગઈ છે. અમદાવાદનું ફૂલ બજાર ધમધમી ઉઠ્યું છે. Flower prices double on Navratri
અહીં જુદી જુદી જાતના ફૂલની માગમાં બમણો વધારો થયો છે. આદ્ય શક્તિની પૂજા-અર્ચના માટે ઉપયોગમાં લેવાતાં ફૂલના ભાવ વધી જવાના કારણે માઈ ભક્તોમાં કચવાટ છે. ભક્તિનું પર્વ ગઈ કાલથી શરૂ થતાંની સાથે ફૂલની માગમાં પણ વધારો થયો છે. જેના કારણે ફૂલના ભાવ બમણા થતાં ભક્તિ કરવી પણ હવે મોંઘી થઈ રહી છે.
પૂજાપો, ગોબર, છાણા, હવન સામગ્રી, તોરણ, ચૂંદડીના ભાવમાં વધારો ચૂકવ્યા બાદ માઈ ભક્તો હવે ફૂલના ભાવ પણ બમણા ચૂકવવા મજબૂર બન્યા છે. મંદિરોમાં ઈષ્ટ દેવ દેવીના પૂજન અર્ચન માટે ફૂલ ખરીદવા પણ દોહ્યલાં બની ગયા છે. નોરતાના પ્રારંભથી અત્યાર સુધીમાં ફૂલના ભાવ બમણા થવાથી લોકોએ હવે મંદિરમાં ચઢાવવા માટેના ફૂલો ખરીદવામાં પણ કરકસર કરવી પડે એવા સંજાેગો છે.
સામાન્ય રીતે રાજ્યમાં ફૂલનો સૌથી વધારે વપરાશ નવરાત્રિ શ્રાવણ માસ, ગણેશોત્સવ અને દિવાળી પર્વ દરમિયાન રહે છે. વેપારીઓ ના જણાવ્યા મુજબ નોરતાના આ દિવસોમાં ગલગોટા અને ગુલાબનું વેચાણ વધી ગયું છે. નગરાત્રિમાં લાખો કિલો ગલગોટા અને ગુલાબનું રોજ વેચાણ થઈ રહ્યું છે.
નવરાત્રિની માગને પહોંચી વળવા ફૂલની ખેતી કરતા ખેડૂતો તેમજ હોલસેલ વેપારીઓ દ્વરા પણ સ્ટોક વધારી દેવાયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ફૂલની માગમાં વધારો રહેતા ફૂલ બજાર મોડી રાત સુધી ચાલુ રહે છે.
નવરાત્રિથી દિવાળી સુધી ફૂલનછ ખૂબ માંગ રહે છે. નવરાત્રિમાં માતાજીના શૃંગાર ઉપરાંત તોરબ બનાવવામાં તથા સજાવટમાં પણ આ ફૂલનો ઉપયોગ વધી જાય છે. એટલે દર વર્ષે નવરાત્રિમાં ભાવ ઊંચકાય છે. અમદાવાદમાં આણંદ અને ધોળકાથી ગુલાબ આવે છે.
ગલગોટા અને ઝીણિયાં પણ પ૦થી ૬૦ કિ.મી.ના વિસ્તારમાંથી આવે છે. ડેકોરેશનના કામમાં આવતા કટ ફ્લાવર બહારના રાજ્યમાંથી આવે છે. અમદાવાદમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ફૂલ મગાવવામાં આવે છે.