ફ્લાવર શો-૨૦૨૪માં પીવાલાયક પાણીનો રૂ.૪૬ લાખ અને સીંગ-ચણા માટે રૂ.૨૧ લાખનો ખર્ચ
૨૦૨૩માં પણ પીવાલાયક પાણી માટે રૂ.૨૨ લાખનો ખર્ચ થયો હતો
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા દરવર્ષે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો, બુકફેર સહિત અનેક કાર્યક્રમોના આયોજન થાય છે. આ કાર્યક્રમોમાં વીઆઈપી મહાનુભાવમાં હાજરી આપતાં હોય છે. આ તમામ કાર્યક્રમોમાં વીઆઈપી લોકો માટે પીવાલાયક પાણી, ચા અને નાસ્તાની સુવિધા હેલ્થ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવે છે. મ્યુનિ.કમિશ્નરની સૂચના મુજબ પીવાલાયક પાણી મનપાના પ્લાન્ટમાંથી જ સપ્લાય કરવાનું રહે છે.
પરંતુ હેલ્થ ફૂડ વિભાગના અધિકારીઓ છેલ્લા બે-ત્રણ વર્ષથી આ બાબતે મનમાની કરી રહ્યાં છે અને પીવાલાયક પાણી માટે ખાનગી એજન્સીઓને ઓર્ડર આપતાં હોય છે. પરંતુ તેમાં જે ખર્ચ દર્શાવવામાં આવે છે તે નાના-મોટાં લોકોની છાતીના પાટીયા બેસાડી દે તેવો હોય છે. આ ઉપરાંત મહાનુભાવો માટે સીંગ-ચણા, બિસ્કીટ, વેફર જેવાં નાસ્તા માટે લાખોમાં ખર્ચ થતો હોવાની વિગતો બહાર આવે છે. ફ્લાવર શો-૨૦૨૪માં આ ખર્ચનો આંકડો લગભગ રૂ.૬૫ લાખ થયો હતો.
મ્યુનિ.હેલ્થ ફૂડ વિભાગનાં ઉચ્ચ અધિકારી કોર્પાેરેશનનાં કાર્યક્રમોમાં પીવાલાયક પાણી માટે “પાણીની જેમ વહાવી રહ્યા છે.” સમય અગાઉ યુ-૨૦ના આંગળીના વેઢે ગણી શકાય તેટલા આમંત્રિત મહેમાનોના હેરિટેજ વોક દરમિયાન માત્ર બે કલાકમાં જ પીવાલાયક પાણી માટે રૂ.દોઢ લાખ ખર્ચ કરવાની વિગતો બહાર આવી છે. તેવી જ રીતે, ફૂડ ફોર ફોર્ટમાં પણ ખર્ચનો કોઈ અંદાજ રહ્યો જ નહોતો.
આવી જ પરિસ્થિતિનું ફ્લાવર શો-૨૦૨૪માં નિર્માણ થયું હતું. જેમાં ૩૦ ડિસે.થી ૨૦ જાન્યુ. સુધી માત્ર પીવાલાયક પાણી માટે રૂ.૪૬ લાખ કરતાં પણ વધુ કરવામાં આવ્યો હતો. જ્યારે વીઆઈપીઓ માટે સીંગ-ચણા, કોફી, વેફર અને બિસ્કીટ માટે રૂ.૨૧ લાખનો ખર્ચ કર્યાે હતો.
આ ખર્ચ કરદાતાઓની કમાણીમાંથી થયો છે તેથી મ્યુનિ.કમિશનર કે શાસકપક્ષને કોઈ તકલીફ થઈ નથી. ફ્લાવર શો-૨૦૨૪માં કોર્પાેરેશને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે તે દિવસે પણ વીઆઈપીઓ માટે મંગાવવામાં આવેલા ચા-કોફી અને મીનરલ્સ વોટર માટે રૂ.૧.૯૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ફ્લાવર શો-૨૦૨૩માં પણ પીવાના પાણી અને નાસ્તા માટે રૂ.૩૭ લાખનો ખર્ચો થયો હતો. જેમાં પીવાના પાણી માટે રૂ.૨૨ લાખ અને ચા-કોફી માટે રૂ.૧૩ લાખ અને
ફાફડાં-જલેબીના નાસ્તા માટે રૂ.૨.૩૮ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે, પીવાના પાણી માટે કલ્પક ગાંધી એન્ડ સન્સ અને ગાંધી કેટરર્સને જ ઓર્ડર આપવામાં આવે છે. રૂ.૨.૩૮ લાખના ખર્ચ માટે દક્ષા ગાંધીને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જાણકારોના મંતવ્ય મુજબ એક જ વ્યક્તિ આ ત્રણ અલગ-અલગ નામથી કામ કરી રહી છે. જેના કારણે અધિકારીને પણ સરળતા રહે છે.