31મી ડિસે.થી શરૂ થનારા ફલાવર શોમાં શું જોવા મળશે જાણો છો!
અમદાવાદમાં ૩૧ ડિસે.થી ફ્લાવર શોનો મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં બે વર્ષ બાદ કોરોનાની ગાઇડલાઇન સાથે ફ્લાવર શો ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શો આગામી ૩૧ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી સુધી ચાલશે. મુખ્યમંત્રી ઘ્વારા ફલાવર શો ખુલ્લો મૂકવામાં આવશે.ફ્લાવર શો માં કોરોના ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.આ વર્ષે ફ્લાવર શૉમાં અંદાજે ૧૦ લાખ લોકો મુલાકાત લઈ શકે છે.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફલાવર શોમાં સ્કૂલનાં બાળકો માટે સદંતર ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. ૧૨ વર્ષથી નાની વયના બાળકોને મફત એન્ટ્રી આપવામાં આવશે. ૧૨ વર્ષથી ઉપરનાં લોકોની ૩૦ રુપિયા ટિકિટ આપવામાં આવશે.ફ્લાવર શૉની ૨૦થી વધુ કાઉન્ટર પરથી ટીકીટ મળશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોનના સિવિક સેન્ટર પરથી પણ ટીકીટ મેળવી શકાશે. ફલાવર શોમાં પ્રવેશ મેળવનાર લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. આ સાથે રાજ્ય સરકારની કોરોના ગાઇડ લાઇન નું પાલન કરવું પડશે. રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફ્લાવર શો ખુલ્લો મુકશે. આ ફ્લાવર શો ૩૧મી ડિસેમ્બરથી શરૂ થશે. જેનો સમય સવારે ૧૦થી રાતનાં ૧૦ કલાક સુધીનો રહેશે.
આ વખતે જી-૨૦ સમિટ, આઝાદી અમૃત કાળ, આયુર્વેદિક, સ્પોર્ટ્સ સહિતની થીમ પર કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ ફ્લાવર શૉમાં ૨૦૦થી વધુ પ્રજાતિના ૫ લાખથી વધુ દેશી વિદેશી ફૂલ છોડ જાેવા મળશે.
આ ઉપરાંત ૨૦થી વધુ સેલ્ફી પોઇન્ટ, વિવિધ પશુ પંખી અને વિષયના આકર્ષક ફલાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહેશે. ફલાવર શોનાં અન્ય આકર્ષણોમાં આ વખતે મહેંદીમાંથી બનાવેલી ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે.
વાઇલ્ડ લાઇફ થીમ આધારિત જુદા જુદા સ્કલ્પચર, વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલાં ફૂલ-છોડની પ્રદર્શની, ફૂલોમાંથી બનાવેલા આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ જાેવા મળશે.અટલ બ્રિજની મુલાકાત લેવી હોય તો તે માટે ટિકિટ લેવી પડશે.
મોરબીની દુર્ઘટના બાદ લોકોની ભીડ અટલ બ્રિજ પર વધી ન જાય તે માટે પણ તંત્ર દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. એકસાથે વધારે લોકો એકત્ર ના થાય તે માટે બપોરે ૨ વાગ્યા બાદ અટલ બ્રિજને બંધ રાખવામાં આવશે. તેવું નક્કી કરવામાં આવ્યું છે.