૪ હજારથી વધુ મિલકતને તાળા લાગતા ડિફોલ્ટર્સમાં ફફડાટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સપાટો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ગત શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કોર્પોરેશનના ઈતિહાસમાં પહેલી વાર એવી ડિફોલ્ટર સામેની મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરાઈ હતી, જેમાં ટોરેન્ટ અને જીઈબી સાથે સંકલન કરીને બાકીદારોનાં વીજળીનાં કનેક્શન પણ કાપવાની કામગીરી તંત્રએ કરી હતી.
હવે આજે પણ તંત્ર બાકી ટેક્સ કરદાતાઓ સામે ત્રાટક્યું છે. સવારથી મોટી રકમના બાકીદારો સામે સીલ મારવાની ઝૂંબેશ જાેશભેર હાથ ધરાઈ છે. વહેલી સવારના સાડા પાંચ વાગ્યાથી સમગ્ર શહેરમાં તંત્રની વિવિધ ટીમોએ કોમર્શિયલ એકમોની યાદી તૈયાર કરી તેના આધારે સીલ મારવાની શરૂઆત કરતા ડિફોલ્ટર્સ દોડતા થઈ ગયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત શુક્રવાર તા. ૨૪ ફેબ્રુઆરીએ પહેલી વખત મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરાઈને શહેરની કુલ ૮,૭૦૦ કોમર્શિયલ મિલકતને તાળાં મરાયાં હતાં. તે દિવસે આ મેગા સીલિંગ ઝૂંબેશથી તંત્રની તિજાેરીમાં રૂ. ૨૫ કરોડ જેટલી માતબર રકમ ઠલવાઈ હતી. પૂર્વ ઝોનનાં ટોરેન્ટ સાથે સંકલન કરી કોર્પોરેશને ઈતિહાસમાં પહેલી વાર કોમ્પ્લેક્સનાં વીજજાેડાણ કાપ્યાં હતાં. તે દિવસે પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે ૫,૦૮૯ કોમર્શિયલ એકમોને સીલ મરાયાં હતાં.
આજે ફરીથી એક અઠવાડિયામાં મ્યુનિસિપલ સત્તાધીશોએ શહેરમાં મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. કોર્પોરેશનના ચોપડે વન ટાઇમ સેટલમેન્ટ યોજના તેમજ સીલિંગ ઝૂંબેશથી પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કરનારા કરદાતાઓ કુલ ૧.૯૪ લાખથી વધુ નોંધાયા છે. આની સામે હજુ ૧૦.૭૫ લાખથી વધુ કરદાતાઓએ પોતાનો બાકી ટેક્સ મ્યુનિ. તંત્રમાં ભર્યો નથી.
એટલે કે તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૩થી ૨૧ વર્ષ બાદ જાહેર કરાયેલી ૧૦૦ ટકા વ્યાજ માફીની સ્કીમ અંતર્ગત ૨૦ ટકા મિલકતધારકોનો પૂરેપૂરો ટેક્સ ભરાયો છે, જ્યારે હજુ ૮૦ ટકા કરદાતાઓ પોતાનો બાકી ટેક્સ ભરવા આગળ આવ્યા નથી.
સવારના સાડા પાંચ વાગ્યાથી અગાઉની જેમ જ બાકી ટેક્સ વસૂલાત ઝૂંબેશ હેઠળ સત્તાવાળાઓએ સપાટો બોલાવવા લીધો છે, જે અંતર્ગત પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધીમાં ૧૨૦૦થી ૧૫૦૦ કોમર્શિયલ એકમને તંત્રના ખંભાતી તાળાં લાગી ચૂક્યાં છે.
પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આઇ. કે. પટેલ, દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રમેશ મેરજા અને પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એસ. એ. પટેલની સાથે ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દીપક પટેલ, હરદેવસિંહ ઝાલા વગેરે પણ સીલિંગ ઝૂંબેશમાં જાેડાયા હતા.
કમિશનર એમ. થેન્નારસનની કડક તાકીદથી આજે દિવસ દરમિયાન આશરે ૧૦,૦૦૦ કોમર્શિયલ મિલકતને તંત્રનાં તાળાં લાગી જાય તેવી શક્યતા છે, કેમ કે બાકી પ્રોપર્ટી ટેક્સધારકોને કાયદાની ભીંસમાં લેવા શહેરના તમામ સાતેય ઝોનમાં ઊતરેલી ટીમને અપાયેલા લક્ષ્યાંકને જાેતાં આટલો આંકડો મેળવી લેવાશે તેવું લાગે છે.
બીજા અર્થમાં ડિફોલ્ટર્સ માટે ગયા શુક્રવારની મેગા સીલિંગ ઝૂંબેશ કરતાં પણ આ શુક્રવારની મેગા સીલિંગ ઝૂંબેશ વધુ કપરી બનશે તેવા એંધાણ છે. દરમિયાન આ લખાય છે ત્યારે સવારે ૧૧.૦૦ વાગ્યા સુધીમાં ૪,૦૦૦થી વધુ મિલકતને તંત્રનાં તાળાં લાગી ચૂક્યાં હોઈ ડિફોલ્ટર્સને ધોળે દહાડે તારા દેખાઈ રહ્યા છે.
પ્રોપર્ટી ટેક્સના બાકીદારો માટે તંત્ર દ્વારા વન ટાઇમ સેટલમેન્ટ યોજના જેવી ઐતિહાસિક યોજના જાહેર કરાઈ હોવા છતાં પણ હજુ અનેક મોટી રકમના બાકીદારો ટેક્સ ભરી રહ્યા નથી, જેના કારણે મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનની સીધી સૂચનાથી તંત્રએ દર શુક્રવારે મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરવાની દિશામાં કમર કસી છે.
મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાને તપાસતા પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૨,૦૧,૭૬૦ બાકીદારો છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં ૧,૪૩,૦૮૫, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧,૩૩,૮૯૬ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા એટલે કે ૧,૦૫,૫૩૨ બાકીદારો ટેક્સના ચોપડે નોંધાયા છે.
જ્યારે પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કરનારા કરદાતાઓની સંખ્યા અંગે તંત્રનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૦,૩૫૧ કરદાતાઓએ પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કર્યો છે. જ્યારે મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૧૩,૮૩૬ કરદાતાઓએ ટેક્સ ભરવામાં રસ દાખવ્યો છે.