વરસાદ- ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવા છતાં પણ ફોગિંગનાં ધાંધિયાં
તાજેતરમાં મળેલી હેલ્થ કમિટીમાં ડેપ્યુટી ચેરમેને તંત્ર વિરુદ્ધ ફોગિંગના મામલે પસ્તાળ પાડી
અમદાવાદ, શહેરમાં બિસ્માર રસ્તા, રખડતાં ઢોર વગેરે રોજબરોજના જીવનને સ્પર્શતી એવી કાયમી સમસ્યા છે. વિકાસની દૃષ્ટિએ ચોતરફ હરણફાળ ભરતાં આપણાં અમદાવાદમાં દિન-પ્રતિદિન વકરતી જતી ગંદકીનો પ્રશ્ન પણ લોકોને કનડી રહ્યો છે.
શહેરમાં સ્વચ્છતાનું સ્તર સંતોષજનક ન હોઈ સ્વાભાવિકપણે મચ્છરોનો ઉપદ્રવ બારમાસી બન્યો છે. તેમાં પણ આ ચોમાસામાં તો મચ્છરોથી લોકો ત્રાસી ઉઠ્યા છે. જાેકે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવા છતાં શહેરમાં ફોગિંગનાં ધાંધિયા જાેવા મળે છે. મચ્છરોને અંકુશમાં મૂકવા માટે ફોગિંગ જરૂરી હોઈ ખુદ શાસકો જ તંત્રની ફોગિંગની કામગીરીથી નારાજ થયા છે.
અમદાવાદમાં મચ્છરોના ઉપદ્રવના કારણે સ્વાભાવિકપણે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. ખુદ મ્યુનિ. હેલ્થ વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ ગત ઓગસ્ટ મહિનાના છેલ્લા ર૭ દિવસમાં શહેરમાં ડેન્ગયુના સત્તાવાર રર૧ કેસ થયા હતા. સાદો અને ઝેરી મેલેરિયાના કુલ ર૩ર કેસ નોંધાયા હતા,
જયારે ચિકનગુનિયાના ર૯ કેસ થયા હતા. મચ્છરજન્ય રોગચાળો વધવાથી તંત્ર દ્વારા તા.૧થી ર૭ ઓગસ્ટ સુધીમાં લોહીના ૬૭,૬૩ર નમૂના અને ડેન્ગ્યુ માટે ૩૧૮૪ સિરમના નમૂના લેવાયા હતા. હવે છેલ્લા અઠવાડિયાનો રોગચાળાનો રિપોર્ટ તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાશે,
જેમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો શહેરમાં વકર્યો હોવાનું વધુ એક વખત પુરવાર થશે. જાેકે તાજેતરમાં મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં ખુદ ડેપ્યુટી ચેરમેને તંત્રની ફોગિંગની કામગીરી પ્રત્યે ભારોભાર અસંતોષ વ્યકત કર્યો હતો. તેમણે સોઈ ઝાટકીને જણાવ્યું હતું કે શહેરમાં ફોગિંગ થતું હોય તેવું ક્યાંય નજરે પડતું નથી.
અનેક વોર્ડમાં ફોગિંગના મશીનો નજરે પડતાં નથી. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોઈ જાે તેને અંકુશમાં લેવા અસરકારક ફોગિંગ નહી થાય તો પછી નાગરિકોનું આરોગ્ય કેવી રીતે સચવાશે? ડેપ્યુટી ચેરમેને તંત્ર વિરુદ્ધ ફોગિંગના મામલે પસ્તાળ પાડતા સંબંધિત મેલેરિયા વિભાગના અધિકારીઓ જાણે કે સાપ સૂંઘી ગયો હોય તેવી હાલતમાં મુકાઈ ગયા હતા.
હેલ્થ કમિટીના અન્ય સભ્યોએ પણ પોતપોતાના વોર્ડમાં ફોગિંગના પ્રશ્નો હોવાની રજૂઆત કરી હતી જેના કારણે તંત્રને સુધ્ધાં ફોગિંગના મુદાને ગંભીરતાથી લેવાની ફરજ પડી હતી. આ અંગે મ્યુનિ. મેલેરિયા વિભાગના જવાબદાર અધિકારીને પૂછતાં તેઓ કહે છે, શહેરમાં ફોગિંગના કોઈ પ્રશ્નો જ નથી, તમામે તમામ વોર્ડમાં અસરકારક રીતે ફોગિંગ થઈ રહ્યું છે. હાલમાં તંત્રની માલિકીના રપ૦ જેટલાં નાના-મોટા થર્મલ ફોગિંગ મશીન કાર્યરત છે.
થર્મલ મશીન એટલે કે ધુમાડાવાળા મશીનો પૈકી સાત વિહિકલ માઉન્ટેડ કોલ્ડ ફોગિંગના મોટા મશીન પણ છે. એટલે આ તમામે તમામ કુલ ૩પ૦ મશીનથી શહેરમાં ફોગિંગ થતું હોઈ તેને લગતી કોઈ ખાસ ફરિયાદ તંત્રના ધ્યાનમાં આવી નથી.
આમ ફોગિંગના મામલે એક પ્રકારે વિરોધાભાસ જાેવા મળ્યો છે. એક તરફ ફોગિંગને વધુ અસરકારક બનાવવા પર શાસક પક્ષ ભાર મુકી રહ્યો છે.