મણીપુરની ઘટનાને લઈને બંધના એલાનને પગલે રાજપારડીએ સજ્જડ બંધ પાળ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, મણીપુરમાં આદિવાસી મહિલાઓ પર થયેલ અત્યાચારના વિરોધમાં આજરોજ આદિવાસી સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગુજરાત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
મળતી વિગતો મુજબ તાલુકા મથક ઝઘડિયા ખાતે બજારો સવારથી જ ખુલ્લા રહેતા ઝઘડિયા નગરમાં બંધને કોઇ પ્રતિસાદ મળ્યો નહતો. જ્યારે તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરમાં આદિવાસી સમાજ દ્વારા અપાયેલ બંધના એલાનને પગલે બજાર સવારથી જ સંપુર્ણ બંધ રહ્યું હતું,
અને બંધના એલાનને પગલે રાજપારડી નગરે સંપુર્ણ બંધ પાળ્યો હતો. બંધને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સવારથી જ રાજપારડી ચાર રસ્તા સહિત મુખ્ય બજારના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તાલુકાના અન્ય વેપારી મથક ઉમલ્લામાં બંધની ખાસ અસર જાેવા મળી નહતી.
ઉમલ્લા દુ.વાઘપુરાના વેપારીઓએ બે ત્રણ કલાક જેટલો સમય માંડ દુકાનો બંધ રાખીને સવારના અગિયાર વાગ્યા આસપાસના સમયે દુકાનો ખોલી દેતા ઉમલ્લા દુ.વાઘપુરા નગરમાં બંધને નહિવત સફળતા મળી હતી. આમ ઝઘડિયા તાલુકાના ત્રણ મહત્વના મથકોએ ગુજરાત બંધના એલાનને લઇને અલગઅલગ રીતે મિશ્ર પ્રતિસાદ જાેવા મળ્યો હતો.
દરમિયાન પોલીસ દ્વારા કેટલાક આદિવાસી નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હોવાની વિગતો પણ જાણવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજ દ્વારા સજ્જડ બંધનું એલાન આપ્યા બાદ મોડે મોડે ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ જ્યોતિ તડવી જાગ્યા હતા અને આજરોજ સોમવારના રોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હોવાનો માત્ર દેખાવ કરશે.