ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક, ગ્રાહક પર લાદી ન શકાય

નેશનલ રેસ્ટોરા ફોરમને કોર્ટે ગ્રાહક કલ્યાણ ભંડોળમાં જમા કરાવવા એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
નવી દિલ્હી, દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈÂચ્છક છે અને રેસ્ટોરા તેને ગ્રાહકો પર લાદી ન શકે. આ ચુકાદો આપતા ન્યાયાધીશ પ્રતિભા એમ સિંઘે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટી (સીસીપીએ)ની હોટેલ્સ અને રેસ્ટોરાને ફૂડ બિલ્સનો સર્વિસ ચાર્જ વસૂલવા રોકતી માર્ગદર્શિકાઆને પડકારતી બંને અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ફૂડ બિલ્સ પર ફરજિયાત ધોરણે સર્વિસ ચાર્જનું કલેકશન ગ્રાહક અધિકારનો અને કાયદાનો ભંગ છે. ગ્રાહક તેની ઇચ્છા હોય તો ટિપ આપે, તેના માટે તેને ફરજ પાડી ન શકાય.
કોર્ટે જણાવ્યું હતું કે ફૂડ બિલ પર સર્વિસ ચાર્જની ફરજિયાત ઉઘરાણી ગેરમાર્ગે દોરનારી છે અને નિરાશાજનક છે. તેના દ્વારા ગ્રાહક પર તેવી સમજ ઊભી થાય છે કે તેના પર કોઈને કોઈ સ્વરુપમાં સર્વિસ ટેક્સ કે જીએસટી લાદવામાં આવી રહ્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે રેસ્ટોરાઓ આ પ્રકારની રીતરસમ અપનાવતી હોય તો તે અયોગ્ય રીતરસમ છે અને ફૂડ બિલ સર્વિસ ચાર્જને ફરજિયાત ધોરણે ઉમેરી શકાય નહીં.
ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરા એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને નેશનલ રેસ્ટોરા એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ ૨૦૨૨માં ફૂડ બિલ સર્વિસ ચાર્જને ફરજિયાત કરવા અરજી કરી હતી.
કોર્ટે આ અંગે ગ્રાહક અધિકાર પંચની માર્ગદર્શકાઓ માનય રાખી હતી અને બંને અરજદારને સીસીપીએ સમક્ષ ગ્રાહક કલ્યાણ પેટે રુ. એક-એક લાખ જમા કરાવવા આદેશ આપ્યો હતો. કોર્ટનું તારણ હતું કે સીસીપીએ ફક્ત એડવાઇઝરી બોડી જ નથી, તેની પાસે અયોગ્ય વેપારી રીતરસમ રોકવા માટે માર્ગદર્શિકાઓ જાહેર કરવાની સત્તા છે અને તેણે ગ્રાહકના હિતનું રક્ષણ કરવાનું હોય છે.
સીસીપીએ પાસે સીપીએ ૨૦૧૯ હેઠળ માર્ગદર્શિકાઓ પસાર કરવાની સત્તા છે. ગાઇડલાઇન્સ જારી કરવી તે સીસીપીએની સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ છે. બધી જ રેસ્ટોરાએ તેનું પાલન કરવાનું છે, એમ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીસીપીએ ૪ જુલાઈ ૨૦૨૨ના રોજ જારી કરેલી માર્ગદર્શિકામાં એક મહિના પછી કોર્ટે પ્રતિબંધ મૂક્્યો હતો.