દેશના શહેરોમાં ઈ-બસ સેવા માટે રૂા. ૬૩ હજાર કરોડની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા ર્નિણય લેવાયા
(એજન્સી)નવી દિલ્હી, આજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરો ઈ-બસ ચલાવવા અને અને વિશ્વકર્મા યોજના અંગે ર્નિણય લેવાયો હતો. શહેરોમાં ઈ-બસ ચલાવવા માટે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
દેશના શહેરોમાં ઈ-બસ સેવા માટે ૬૩ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઈ-બસ સેવા માટે ૬૩ હજાર કરોડ રૂપિયામાંથી કેન્દ્ર સરકાર ૨૦ હજાર કરોડ રૂપિયા આપશે જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર આપશે. ઈ-બસ સેવાની યોજના જાહેર ખાનગી ભાગીદારી દ્વારા ચલાવવામાં આવશે. આ સાથે ઈ-બસ સેવા માટે ૭ હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવશે.
ઈ-બસ સેવા ઉપરાંત વિશ્વકર્મા યોજનાને પણ કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાને ૧૫મી ઓગસ્ટે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. સોની, સુથાર, કડિયા, વાળંદ અને સાધનો અને હાથ વડે કામ કરનારાઓ માટે આ એક યોજના છે. વડાપ્રધાને જાહેરાત કરી હતી કે વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજના વિશે જાહેરાત કરી હતી કે તેનું બજેટ ૧૩ થી ૧૫ હજાર કરોડ રૂપિયા હશે. આ યોજના દ્વારા સરકાર પરંપરાગત કૌશલ્ય એટલે કે હાથ વડે કામ કરતાં કારીગરોને મદદ કરશે. આ કારીગરોમાં સોની, લુહાર, વાળંદ અને ચામડાનું કામ કરતાં લોકોને સીધો ફાયદો થશે.
આ યોજનાનો હેતુ એવા લોકોને લાભ પહોંચાડવાનો છે, જેઓ હાથ વડે કુશળ કામ કરે છે અને પેઢીઓથી આ કામ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ૩ લાખની વસ્તીવાળા લગભગ ૧૦૦ શહેરોમાં ઇલેક્ટ્રિક બસ ચલાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ પાછળ લગભગ ૫૭,૬૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમાંથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ભોગવશે. આ યોજના હેઠળ દેશભરમાં ૧૦ હજાર ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે.