નફા માટે લોન લેનારાઓ કાયદાની દૃષ્ટિએ ‘ગ્રાહક’ નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે જો લોનધારકે નફો કમાવવા માટે લોન લીધી હોય તો તે લોનધારકને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ‘ગ્રાહક’ ગણી શકાય નહીં.
રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના આદેશ સામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ દાખલ કરેલી અરજીની સુનાવણી કરતાં સર્વાેચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં સેન્ટ્રલ બેન્કે રજનીકાંત અભિનીત ફિલ્મ કોચાદૈયાના પોસ્ટ પ્રોડક્શન માટે એડ બ્યુરો એડવર્ટાઇઝિંગને રૂ.૧૦ કરોડની લોન આપી હતી.
બ્યુરો ચૂકવણીમાં ડિફોલ્ટ થયા પછી બેન્કે ડેબ્ટ્સ રિકવરી ટ્રિબ્યુનલ સમક્ષ મુકદ્દમા શરૂ કર્યાે હતો અને રૂ.૩.૪૬ કરોડમાં વન-ટાઇમ સેટલમેન્ટ થયું હતું. એડ બ્યુરોએ દલીલ કરી હતી કે વન-ટાઇમ સેટલમેન્ટ મુજબ રકમ ચૂકવી હોવા છતાં બેન્કે તેને સીબીલ સમક્ષ ડિફોલ્ટર જાહેર કરી હતી અને તેનાથી તેની અને બિઝનેસની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.
આ પછી કંપનીએ એનસીડીઆરસીનો સંપર્ક કર્યાે હતો અને બેંકની સેવામાં ખામી હોવાનો આરોપ મૂક્યો હતો. એનસીડીઆરસીએ એડ બ્યુરોની અરજીને ગ્રાહક ફરિયાદ તરીકે મંજૂર કરી હતી અને બેન્કે રૂ.૭૫ લાખનું વળતર ચૂકવવા અને ડિફોલ્ટર ન હોવાનું પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો હતો.
સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અમે એ હકીકતથી વાકેફ છીએ કે કંપની એક વેપારી સાહસ હોવાથી તેને ગ્રાહકની વ્યાખ્યામાંથી દૂર કરી શકાય નહીં, પરંતું આ કિસ્સામાં લોન લેવાનો મુખ્ય હેતુ નફો કમાવવાનો હતો.SS1MS