સિઝનમાં પહેલીવાર અમદાવાદ ૧૧.૮ ડિગ્રી સાથે ઠુંઠવાયું
અમદાવાદ, શિયાળાની ઋતુ મોડે મોડે પરંતુ હવે બરાબર જામી છે ત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.
આજે સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવ ફરી વળી હોય તેમ રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ પહોંચી ગયા હતા. આજે અમદાવાદમાં સિઝનમાં પહેલાવીર લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રીએ પહોંચી જતા અમદાવાદીઓ ઠુંઠવાઇ ગયા હતા.
આ ઉપરાંત સિઝનમાં પહેલીવાર ગાંધીનગર ૯ ડિગ્રી, નલિયા ૬.૫ ડિગ્રીએ પહોંચી જતા લોકોએ ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ વહેલી સવારે કર્યાે હતો. બીજી તરફ કોલ્ડ વેવ અને ઉત્તર પૂર્વિય પવનને કારણે ઠંડા પવન ફૂંકાતા વર્તમાન ઠંડીનું મોજુ યથાવત્ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
નોંધનીય છે કે, ૨૭ ડિસે. ૧૯૮૩ના રોજ અમદાવાદનું લઘુતમ તાપમાન ઐતિહાસિક ૩.૬ ડિગ્રી નોંધાયું હતું.દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઇ રહી છે ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા-સુકા પવન ગુજરાત તરફ આવી રહ્યાં છે. જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અને કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે.
છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં ત્રણ લઇ સાત ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના કારણે ઠંડી વધી રહી છે ત્યારે આજે સિઝનમાં પહેલીવાર અમદાવાદ અને ગાંધીનગરનું લઘુતમ તાપમાન અનુક્રમે ૧૧.૮ ડિગ્રી અને ૯ ડિગ્રીએ પહોંચી જતા વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો.
આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના તાપમાન પણ ૧૨ ડિગ્રી આસપાસ રહેતા જોરદાર ઠંડી વર્તાઇ હતી. ઠંડી વધવાની સાથે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું, જેના કારણે રાજ્યના વિવિધ ધોરી માર્ગાે પર સવારે ૨૦૦ મીટર દૂરનું દૃશ્ય સ્પષ્ટ ન દેખાતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે, પરંતુ હવે ડિસેમ્બરમાં શિયાળો પોતાના પરચો બતાવે અને જોરદાર ઠંડી પડે તેવી શક્યતા છે. ઉપરાંત રાજ્યમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનનો પારો ૫ ડિગ્રીથી નીચે જવાની પણ શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો ઉપર ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતા ઠંડીનું જોર ઘટશે. રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રમાં મહત્ત્વનો જિલ્લો છે.
ત્યાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહેતું હોય છે, પરંતુ કોલ્ડવેવની અસર રહેતી નથી, પરંતુ આ વર્ષે રાજકોટ જેવા શહેરમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર રહી હતી. જે છેલ્લાં દસ વર્ષના આંકડાઓ મુજબ પ્રથમ વખત આ સ્થિતિનું નિર્માણ થયું છે.SS1MS