દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ ૧૦૦૦ને પાર પહોંચ્યા

નવી દિલ્હી, ભારતમાં જીવલેણ વાયરસ કોરોના ફરી ઉથલો મારવા લાગ્યો છે, દેશના ૨૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા આ વર્ષે પ્રથમ વખત એક હજારને પાર પહોંચી ગઇ છે. રાજધાની દિલ્હીમાં જ ૧૦૦થી વધુ કોરોના દર્દીઓ છે.
છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના નવા ૯૯ કેસો સામે આવ્યા છે. જે દર્શાવે છે કે કોરોના વાયરસ સંપૂર્ણરીતે નિયંત્રમાં નથી આવ્યો. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો કેરળમાં સામે આવ્યા છે, કેરળમાં ૪૩૦ કેસો છે, જે બાદ મહારાષ્ટ્રમાં ૨૦૯, દિલ્હીમાં એક્ટિવ કેસોનો આંકડો ૧૦૪નો છે.
ગયા સપ્તાહે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસો ૨૫૭ હતા જે હાલ એક હજારને પાર પહોંચી ગયા છે અને આંકડો ૧૦૦૯ નોંધાયો છે. કેરળ, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં કેસોનો ઉછાળો જોવા મળ્યો છે.
તાજેતરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ એનબી.૧.૮.૧ અને એલ.એફ.૭ના કેસો સામે આવી રહ્યા છે. જોકે આ વેરિઅન્ટ વધુ જોખમકારક માનવામાં નથી આવતો. કર્ણાટકમાં ૩૪ નવા કેસો સામે આવ્યા છે અને એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪૭એ પહોંચી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, હરિયાણામાં આઠ નવા મામલા સામે આવ્યા છે.
આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને નવ થઇ ગઇ છે. જ્યારે રાજસ્થાનમાં નવા ૧૧ કેસો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાએ માથુ ઉચક્યું છે અને નવા ૧૧ કેસો નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં નવા ૧૫ કેસો સામે આવ્યા છે.
૨૬મી મેના સવાર સુધીના આંકડા મુજબ કોરોનાના એક્ટિવ કેસોમાં કેરળ પ્રથમ, મહારાષ્ટ્ર બીજા, દિલ્હી ત્રીજા ક્રમે છે, અને ગુજરાત ચોથા ક્રમે છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાના દર્દીઓની સારવાર માટે પુરતી વ્યવસ્થા કરવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યા છે. જેમાં આઇસીયુ બેડ, ઓક્સિજન અને અન્ય જરૂરી ઉપકરણોની વ્યવસ્થા કરવા કહેવાયું છે.SS1MS