મ્યુનિસિપલ ફલાવર શોમાં પ્રથમ વખત વીઆઈપી સ્લોટ રાખવામાં આવશે
આગામી ફલાવર શોમાં પાછલા વર્ષની સરખામણીએ વધુ આકર્ષણો તૈયાર કરવામાં આવશે: ૧ર વર્ષ સુધીની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ રિવરફ્રંટ ખાતે ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ર૦ર૪ના ફલાવર શો કરતા વધુ સ્ટ્રકચર અને કૃતિઓ મુકવામાં આવશે.
આ ઉપરાંત અવનવા આકર્ષણોનો પણ ઉમેરો કરવામાં આવશે. ફલાવર શોમાં ૧ર વર્ષ સુધીના બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. તેમજ પ્રથમ વખત જ ફલાવર શો જોવા માટે વીઆઈપી સ્લોટ નકકી કરવામાં આવ્યો છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૧ જાન્યુઆરી ર૦રપના દિવસે ફલાવર શો નું ઉદઘાટન કરવામાં આવશે. આ દિવસે જ વૃક્ષોની વસ્તી ગણતરી માટે જીઆઈ ટેગ પણ લગાવવામાં આવશે. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે ફલાવર શોમાં થોડો વધુ ખર્ચ થયો છે પરંતુ તેની સામે સ્ટોલ અને એડવટાઈઝની આવકમાં પણ વધારો થશે. ર૦ર૪માં રૂ.૧૧.૪૪ કરોડનો ખર્ચ થયો હતો. જયારે ર૦રપમાં રૂ.૧પ કરોડનો ખર્ચ થશે.
તેવી જ રીતે ર૦ર૪માં સ્ટોલ અને એડવટાઈઝમેન્ટ પેટે રૂ.૧ કરોડની આવક થઈ હતી જયારે ર૦રપમાં આ આવક અંદાજે રૂ.૩.પ૦ કરોડ થશે. ફલાવર શોમાં પ્રવેશ માટે સોમ થી શુક્ર રૂ.૭૦ અને શનિ-રવિમાં રૂ.૧૦૦ ટિકિટ રાખવામાં આવી છે. જયારે ૧ર સુધી વર્ષ સુધીના બાળકો અને મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે.
ફલાવર શોના ઈતિહાસમાં પ્રથમ વખત સવારે ૮ થી ૯ અને રાત્રે ૧૦ થી ૧૧ ના સમયગાળા દરમિયાન વીઆઈપી સ્લોટ નકકી કરવામાં આવ્યો છે જેના માટે રૂ.પ૦૦ ટિકિટનો દર રહેશે. ર૦ર૪ના ફલાવર શોમાં કુલ ૯૭ર૭પ૮ સહેલાણીઓએ મુલાકાત લીધી હતી જે પૈકી રૂ.૬.પર કરોડની આવક થઈ હતી. ર૦ર૪માં ટિકિટના દર રૂ.પ૦ અને શનિ-રવિમાં રૂ.૭પ રાખવામાં આવ્યા હતા તેમ છતાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા.
અન્ય આકર્ષણો ઃ આ તમામ પ્રતિકૃતિમાં ફલાવર બેડ સાથે જુદા જુદા લેન્ડસ્કેપ સાથે રજૂ કરવામાં આવશે. – પીટુનીયા, ડાયન્થસ જેવી ફુલોની જાતોનાં ૭ લાખથી વધુ રોપા દ્વારા ૪૦૦ ફુટની કેનીયન વોલ કરવામાં આવશે.- પીટુનીયા, ડાયન્થસ, ક્રીસન્થીયમ (સેવંતી), વીમ્કા, ગજેનીયા, બીગોનીયા, એન્ટીરીનીયમ, એસ્ટર, ઈન્પેશીયન, મેરીગોલ્ડ, કેલેનડ્યુલા, કોલીયસ, તોરણીયા,
વર્બેના, સાલ્વીયા, ઓરનામેન્ટલ કેલે, સક્યુલન્ટ એન્ડ કેકટસ પ્લાન્ટ, પાઈન્સેન્ટીયા, ઓર્ચીડ, જરબેરા, ડહેલીયા, લીલીયમ, એન્થુનીરીયમ, એમરન્સ લીલી વગેરે પ્રકારનાં કુલ ૧પ લાખથી વધુ ફુલ-છોડનાં રોપા પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતે સવિશેષ ૩૦થી વધુ એકઝોટીક (વિદેશી જાતો) ફુલોની જાતો પણ લોકો નીહાળી શકે તે માટે પ્રદર્શિત કરાશે.
ફુલ છોડના રોપાઓના વેચાણ માટે ખાનગી નર્સરીના સ્ટોલ્સ, જંતુનાશક દવા બિયારણ ખાતર અને ગાર્ડનના ઓજારો તેમજ અન્ય ચીજ વસ્તુના વેચાણ માટેના સ્ટોલ્સ તેમજ ફલાવર ગાર્ડન ખાતે રીફ્રેશમેન્ટ માટે ખાણી-પીણીને લગતા હયાત પાકા ફુડ કોર્ટ ઉપરાંત વધુ ફુડ સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે.
ટિકીટનાં ઘસારાને ધ્યાને રાખી તમામ સીટી સિવીક સેન્ટર ઉપર ટિકીટ વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી મુલાકાતીઓ ઘરની નજીકથી સહેલાઈથી ડિઝિટલ માધ્યમથી ટિકીટ ખરીદી શકે તેમજ સ્થળ પર સ્કેન કરી ઓનલાઈન ટીકીટ પણ મેળવી શકે.