Western Times News

Gujarati News

આ કારણસર આણંદ જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીને સસ્પેન્ડ કરાયા

(પ્રતિનિધિ)પેટલાદ, આણંદ જીલ્લા કલેક્ટરને આજરોજ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જીલ્લા કલેક્ટર સામે ગેરવર્તણૂંક અને નૈતિક ક્ષતિના આરોપો મુકવામાં આવ્યા છે. જેથી તેઓની સામે કાયદેસર કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ આઈએએસ અધિકારીનો કોઈ વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવતા સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જીલ્લા કલેક્ટર તરીકે દોઢેક વર્ષ અગાઉ ડી એસ ગઢવીએ કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ વર્ષ ૨૦૦૮ની બેચના ૈંછજી અધિકારી હોવાનું જાણવા મળે છે. તેઓ અગાઉ જીલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર તરીકે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂક્યા છે.

આણંદ જીલ્લામાં દોઢેક વર્ષથી કલેક્ટર તરીકે ફરજ બજાવી કાર્યક્ષેત્ર મુજબની કામગીરી કરતા આવ્યા હતા. પરંતુ મળતી માહિતી મુજબ તેઓ ઓફીસ સમય દરમ્યાન પોતાના કાર્યાલયમાં મહિલા સાથે અંગત પળો માણતા હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી હતી.

તેમાંય આજરોજ ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આવા જ કોઈ કથિત વિડીયો ક્લિપ તેઓની વાયરલ થઈ હતી. જે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચી હતી.

જેથી આણંદ જીલ્લા કલેક્ટર ડી એસ ગઢવી સામે ગેરવર્તણૂંક અને નૈતિક ક્ષતિના ગંભીર આરોપોની તપાસ ચાલી રહી હોવાનો ઉલ્લેખ સરકારના સસ્પેન્શન ઓર્ડરમાં કરાયો છે. વધુમાં તેઓની સામે શિસ્ત સંબંધી પગલાં સંદર્ભે પણ કાર્યવાહી શરૂ થઈ છે.

જેના કારણે ગુજરાત સરકારના અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ)ના નિયમો ૧૯૬૯ના નિયમ ૩ના પેટા નિયમ (૧) ની કલમ (એ) દ્વારા આપવામાં આવેલી સત્તા મુજબ ડી એસ ગઢવીને કલેક્ટરના હોદ્દા ઉપરથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈ જીલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય નેતાઓ વગેરેમાં અનેક પ્રકારના તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે.

હાલ તેઓનો ચાર્જ જીલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો છે. હેડક્વાર્ટરના આદેશો બાકી આજરોજ મોડી સાંજે આણંદ જીલ્લા કલેક્ટર ડી એસ ગઢવી સસ્પેન્ડ થતાં સમગ્ર જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે. જાે કે સરકારના નિતી નિયમો અને જાેગવાઈને આધિન તેઓને રજાના પગારની સમકક્ષ નિર્વાહ ભથ્થું મેળવવા તેઓ હક્કદાર રહેતા હોવાનો ઉલ્લેખ હુકમમાં કરાયો છે. પરંતુ તેઓના હેડક્વાર્ટરના ફિક્સિંગ અંગે આદેશો જારી થવાના હજી બાકી છે.

તપાસ કમિટીમાં તમામ મહિલાઓ

આ અંગેની એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં તમામ મહિલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ તપાસ કમિટીમાં અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનિષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.