આ કારણસર ચંદ્રયાન૩નું રોવર સ્લીપ મોડમાં જતું રહ્યું !
આગામી સૂર્યોદય લગભગ ૨૦ દિવસ પછી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ થશે.હવે સૂર્યોદય થાય ત્યારે સૂર્યના કિરણો સીધા તેના પર પડશે. પ્રજ્ઞાન રોવરની બેટરી ચાર્જ થશે.
(એજન્સી)નવી દિલ્હી, ભારતે ચંદ્ર પર ઉતારેલા ચંદ્રયાન ૩ના રોવર પ્રજ્ઞાને તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે ત્યાં રાત પડી રહી હોવાથી તે સ્લીપ મોડમાં જતું રહ્યું છે. ચંદ્ર પર રાતના સમયે તાપમાન શૂન્યથી ઘણું નીચે જતું રહે છે જેના કારણે આટલા ઠંડા વાતાવરણમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ટકી શકે છે કે નહીં તે જાેવાનું રહે છે.
પ્રજ્ઞાનને જે યોજના સાથે મોકલવામાં આવ્યું હતું તે સફળ થયું છે અને થોડા દિવસો પછી ફરી તેને સક્રિય કરવા માટે ઈસરો પ્રયાસ કરશે. જાેકે, ચંદ્રના સાઉથ પોલ પર ફરી સૂર્યોદય થશે ત્યારે રોવર અને લેન્ડર બરાબર કામ કરી શકશે કે નહીં તે નક્કી નથી. સામાન્ય રીતે અત્યંત નીચા તાપમાનમાં દિવસો સુધી રહેવાના કારણે રોવર અને લેન્ડરના ઉપકરણો ખરાબ થઈ જતા હોય છે.
ઈસરોએ એક ટિ્વટ કરીને જણાવ્યું કે રોવરે તેનું એસાઈનમેન્ટ પૂર્ણ કર્યું છે. હવે તેને સુરક્ષિત રીતે પાર્ક કરી દેવાયું છે અને તે સ્લીપ મોડમાં જતું રહ્યું છે. તેના પેલોડને બંધ કરી દેવાયા છે. આ પે લોડ પરનો ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.
મહત્ત્વની વાત એ છે કે ઈસરોએ જણાવ્યા પ્રમાણે પ્રજ્ઞાન રોવરની બેટરી ફુલ ચાર્જ કરવામાં આવેલી છે અને તેની સોલર પેનલને એવી રીતે ગોઠવવામાં આવી છે જેથી હવે સૂર્યોદય થાય ત્યારે સૂર્યના કિરણો સીધા તેના પર પડશે. આગામી સૂર્યોદય લગભગ ૨૦ દિવસ પછી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ થશે.