આ કારણસર આ વર્ષે મરચાના ભાવ વધશે નહિં
ગોંડલ માર્કેટિંગ યાર્ડ મરચાની આવકથી છલોછલ ભરાયું -ગોંડલ માર્કેટિંગ યાર્ડ સતાધીશોએ મરચાની આવકનો પ્રારંભ કરતા એક દિવસમાં ૬૫,૦૦૦ ભારી મરચાની આવક થઈ હતી
ગોંડલ, પંથકનું મરચું આમ તો દેશભરમાં પ્રખ્યાત છે. ત્યારે મરચાની મોસમ શરૂ થતાં જ ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થઈ છે. જોકે ગોંડલનું મરચું આ વખતે ભાવમાં થોડું મોરૂ પડ્યું હોય તેમ લાગી રહ્યુ છે. ગોંડલીયુ મરચું આમ તો પોતાની તીખાસ માટે દેશભરમાં જાણીતું છે. ગયા વર્ષે પ્રતિમળ મરચાનો ભાવ ૧૮૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધી હતો જે ભાવ આ વર્ષે મરચું પ્રતિમળ ૮૦૦ રૂપિયાથી લઈને ૩૭૦૦ સુધી વેચાઈ રહ્યું છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ સતાધીશોએ મરચાની આવકનો પ્રારંભ કરતા એક દિવસમાં ૬૫,૦૦૦ ભારી મરચાની આવક થઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડનો મરચાનો પટ પણ ભરચક ભરાઈ ગયો હતો. એક સમયે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર પણ મરચા વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી હતી. આ વખતે મરચા સસ્તાં થાય તેવી શક્યતા છે.
હાલ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડએ મરચાની આવકથી છલોછલ ભરાયું છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેતપુર, ધોરાજી, જામકંડોરણા, લોધીકા, કોટડા, સાંગાણી, પડધરી તેમજ રાજકોટ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો મરચા વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. ગોંડલનું પ્રખ્યાત મરચું એ દેશના અલગ અલગ રાજ્યમાં જતું હોય છે.
ખાસ કરીને દક્ષિણ રાજ્યમાં ગોંડલના મરચાની વિશેષ માંગ રહેતી હોય છે એટલા માટે બહારના રાજ્યના વેપારીઓ પણ ગોંડલના મરચાની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી આવતા હોય છે. આ વર્ષે ગોંડલ પંથકમાં મરચાની ભરપૂર ઉત્પાદન થયું છે. યોગ્ય વરસાદ અને યોગ્ય વાતાવરણના કારણે મરચાનો સારો પાક ઉત્પન્ન થયો છે. જેથી કરીને આ વર્ષે ભાવમાં થોડો ઘટાડો પણ નોંધાયો છે. જોકે હજુ મરચાની સિઝન બાકી છે આગામી સમયમાં મરચાના ભાવ કેવા રહેશે તે તો આવતા સમયમાં જ ખ્યાલ આવી શકશે.