આ કારણસર કોહલીને અડધી મેચ ફી દંડ પેટે ભરવી પડશે
વિરાટ કોહલીને અમ્પાયર સાથે તકરાર કરવી ભારે પડી -કોહલીને તેની મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે
(એજન્સી)નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રવિવારે રમાયેલી મેચ અંતિમ બોલ સુધી રોમાંચક રહી હતી. જોકે, આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની વિકેટ વિવાદાસ્પદ બની રહી હતી. કોહલીને જે રીતે આઉટ આપવામાં આવ્યો હતો તેના કારણે તે ઘણો જ રોષે ભરાયો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં વિરાટ કોહલી પોતાની વિકેટને લઈને ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને તેનો ગુસ્સો એટલો હતો કે તેણે અમ્પાયર સાથે તકરાર કરી હતી. વિરાટ કોહલીને હર્ષિત રાણાએ કેચ એન્ડ બોલ્ડ કર્યો હતો. જોકે, વિરાટ કોહલીનું માનવું હતું કે તે બોલ નો બોલ હતો. જોકે, થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. આ જ કારણ છે કે વિરાટ કોહલી અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો હતો.
જોકે, હવે કોહલીને તેના આ વર્તન બદલ દંડ ભોગવવાનો વારો આવ્યો છે. વિરાટ કોહલીને ૈંઁન્ કોડ ઓફ કન્ડક્ટની કલમ ૨.૮ હેઠળ લેવલ ૧ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો અને મેચ રેફરીની સજા સ્વીકારી લીધી. આચાર સંહિતાના લેવલ ૧ ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. કોહલીને તેની મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, એટલે કે કોહલીને તેની અડધી મેચ ફી દંડ પેટે ભરવી પડશે.
આઈપીએલ ૨૦૨૪ની ૩૬મી મેચમાં કોલકાતા સામે બેંગલોર તરફથી બેટિંગ કરી રહેલો વિરાટ કોહલી ફાસ્ટ બોલર હર્ષિત રાણા સામે ફુલ ટોસ બોલ પર આઉટ થયો હતો. હર્ષિત રાણાનો તે બોલ કમરથી ઘણો ઊંચો જતો હોય તેવું લાગી રહ્યું હતું.
વિડીયો રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ તેની કમરથી ઉપર હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલીનું માનવું હતું કે તે બોલને નો બોલ જાહેર કરવો જોઈએ, પરંતુ થર્ડ અમ્પાયરના નિર્ણયમાં તેને આઉટ આપવામાં આવ્યો. વાસ્તવમાં એવું થયું કે વિરાટ કોહલી હર્ષિત રાણાનો તે બોલ તેની ક્રિઝની બહાર જઈને રમી રહ્યો હતો. આ સિવાય જ્યારે તેણે બોલ રમ્યો ત્યારે તે અંગૂઠા પર ઉભો હતો.