આ કારણસર બંધ કરાશે મીઠાખળી ખાતેનું પાસપોર્ટ સેવા કેન્દ્ર
(એજન્સી)અમદાવાદ, શહેરમાં હાલ મીઠાખળી અને વિજય ચાર રસ્તા પાસે બે પાસપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત છે. આ બે કેન્દ્રો પર કુલ રોજની ત્રણ હજાર જેટલી અરજીઓ સ્વીકારવામાં આવે છે. નવા પાસપોર્ટ અને રીન્યુ પાસપોર્ટ માટે અરજીઓમાં વધારો થઈ રહયો છે. તેવામાં મીઠાખળી ખાતેના પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે પાર્કીગ સહીતની અસુવિધાઓને પગલે અરજદારોને હાલાકી ભોગવવી પડતી હોવાની ફરીયાદો વધી હતી.
તેમજ પુર્વ અમદાવાદના લોકોને પણ ઘરઆંગણે સુવિધા મળે તે હેતુથી મણીનગર, નિકોલ સહીતના વિસ્તારોમાં જગ્યા જોવામાં આવી રહી હતી. જોકે બાપુનગર ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર માટેની જગ્યાને ફાઈનલ કરવામાં આવી હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બાપુનગરમાં પાસપોર્ટ સેવાકેન્દ્ર ખુલી રહયું હોવાની માહિતી પણ વાઈરલ થઈ છે.
વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર, બાપુનગર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદીરની સામે જગ્યા પર પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવા માટે જગ્યા ફાઈનલ કરવામાં આવી છે.
છેલ્લાં કેટલાય મહીનાથી પુર્વ વિસ્તારમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર માટે જગ્યાઓ જોવામાં આવી હતી. શહેરમાં આવેલા બે પાસપોર્ટ સેવા કેન્દ્રમાંથી મીઠાખળી ખાતેના કેન્દ્ર પર અરજદારોને પાર્કિગ સહીતની અસુવિધાઓની ફરીયાદને પગલે અને પુર્વવાસીઓને પાસપોર્ટ માટે લાંબો અંતર કાપવો ન પડે તેવી વ્યવસ્થા કરવા માટે પણ રજુઆતો પણ થઈ હતી.
વિવિધ વિસ્તારોમાં જગ્યા જોયા બાદ અરજદારો માટે પાર્કીગ સહીતની વિવિધ વ્યવસ્થા જોયા બાદ બાપુનગર ખાતે સેવા કેન્દ્ર ચાલુ કરવા જગ્યા નકકી કર્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડયું છે. આ થયા બાદ પશ્ચિમમાં એક અને પુર્વમાં એક એમ શહેરમાં બે પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થશે. જેથી પુર્વવાસીઓ સહેલાઈથી રીન્યુ અને નવા પાસપોર્ટની સાથે પીસીસી માટે અરજી કરી શકશે. જોકે આ શરૂ થતાં પાંચથી ૬ મહીના સુધીના સમય લાગશે તેવું સુત્રો જણાવી રહયા છે.