Western Times News

Gujarati News

ચારણ-કન્યા આધારિત ગુજરાતનો સર્વપ્રથમ થીમ પાર્ક ચારણ-કન્યા વાટિકાનું લોકાર્પણ

ઝવેરચંદ મેઘાણીએ વર્ષ 1928માં રચેલું અમર કાવ્યચારણકન્યાઆધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્ય અને અનોખો થીમ પાર્કચારણકન્યાવાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે ધંધુકા ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન- પંથકમાં સર્વપ્રથમ શ્રી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો શ્રી ઝવેરચંદ મેઘાણી સ્વરચિત ગીતો, સંશોધિતસંપાદિત પ્રાચીન લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી.

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે તા. 09 માર્ચ, 2025 (રવિવાર)ના રોજ, સાંજે 05:00 કલાકે અમદાવાદ ધંધુકામાં સ્થિત એમની શૌર્યભૂમિ ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય’ (જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ, રેલ્વે બ્રીજની નીચે) ખાતે વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)માં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો શ્રી અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબહેન વ્યાસ અને પંકજ ભટ્ટ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સ્વરચિત ગીતો તેમજ સંશોધિત, સંપાદિત પ્રાચીન લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવશે. લોકપ્રિય અભિનેતા શ્રી મયુર વાકાણી પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

શ્રી ઝવેરચંદ મેઘાણીએ 1928માં રચેલું અમર કાવ્ય ચારણ-કન્યા આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્ય અને અનોખો થીમ પાર્ક ચારણ-કન્યા વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

સ્ત્રી-સશક્તિકરણની ઉમદા ભાવનાથી નવી પેઢી પ્રેરિત થાય તે આશયથી ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા નિર્મિત-વિકસિત આ થીમ પાર્કમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી,

ચારણ ભક્તકવિ દુલા ભાયા કાગ, ચૌદ-વર્ષીય ચારણ-કન્યા, ચારણ-કન્યાનાં માતા-પિતા, સિંહ-પરિવાર, ગીર ગાય સહિત ગીરની વન્ય જીવસૃષ્ટિને નિરૂપતાં 30 જેટલાં આબેહૂબ પૂર્ણ કદનાં શિલ્પ સ્થાપત્ય ખ્યાતનામ શિલ્પકારો શ્રી મયુર વાકાણી, શ્રી આનંદ ટીકે અને સુશ્રી હેમાલી વાકાણીએ તૈયાર કર્યા છે.

8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી આનું સવિશેષ મહત્વ રહેશે. આ અવસરે એક પેડ માઁ કે નામ અંતર્ગત ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું . ઉલ્લેખનીય છે કે, આ પંથકમાં સર્વપ્રથમ મહાત્મા ગાંધીની મનોરમ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે. ખબર છે આટલી કે માતની હાકલ પડી છે!’ આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ, 1930ના રોજ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર શ્રી ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. તે સમયે પોતાનો બચાવ ન કરતા,

શ્રી ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં 15 શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ ‘સિંધુડો’માંથી દર્દભર્યું કાવ્ય, છેલ્લી પ્રાર્થના ગાયું ત્યારે ત્યાં ઉપસ્થિત હજારોની માનવમેદની અને મેજિસ્ટ્રેટ શ્રી ઈસાણી સમેત સહુની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી.

શ્રી ઝવેરચંદ મેઘાણીને બે વર્ષના કારાવાસની સજા ફરમાવાઈ અને તેઓને સાબરમતી જેલમાં રખાયા હતા. સમસ્ત ભારતમાં એક માત્ર આ અનન્ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્વતંત્ર્ય-સંગ્રામમાં ઘણો પ્રભાવ પડ્યો હતો.

નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત અને પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના, દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી આ પ્રેરક આયોજન-સંયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત આ ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ અને તેના પરિસરનો ભવ્ય સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે જે ખાસ ઉલ્લેખનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.