રાધનપુરની આંગણવાડીની કામગીરીને બિરદાવતાં વિદેશી મહેમાનો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/0902-patan.Mahiti-1024x576.jpeg)
ડેનમાર્કથી આવેલ વિદેશી મહેમાનોએ રાધનપુરના મેમદાવાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી
માહિતી બ્યુરો, પાટણ કહેવાય છે ને કે, તંદુરસ્ત બાળકો દેશનું ભવિષ્ય છે. આપણી ગુજરાત સરકાર બાળકોની તંદુરસ્તી અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરીણામ સ્વરૂપે જ આજે ગુજરાત સરકારની આંગણવાડી દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. આ પ્રસિદ્ધીને કારણે જ યુરોપના ડેનમાર્કથી મહેમાનો રાધનપુરની આંગણાવાડીની મુલાકાતે આવ્યા હતા. ડેનમાર્કના કેરીન, ઇવા, એની, મેટ્ટે અને માયાંતા રાધનપુરની આંગણાવાડીની મુલાકાત લઈને તેમજ ભૂલકાઓ સાથે વાતચીત કરીને આનંદિત થઈ ઉઠ્યા હતા. ડેનમાર્કના આ મહેમાનોને ગુજરાતની રાધનપુરની આંગણવાડી નાના ભૂલકાઓ માટે સારુ કામ કરી છે તેવી માહિતી મળી તેથી તેઓ તુરંત જ પાટણ જિલ્લાના રાધનપુર ઘટકના સેજાે – બંધવડ કેન્દ્ર, મેમદાવાડ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા.
આપણા દેશમાં અતિથી દેવો ભવની વિભાવનાને માન્ય ગણવામાં આવે છે. તેથી જાે મહેમાન ઘર આંગણે પધાર્યા હોય તો તેઓની આગતા-સ્વાગતામાં કોઈ પણ કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિદેશી મહેમાન કેરીન, ઇવા, એની, મેટ્ટે અને માયાંતાનું પણ રાધનપુરની આંગણવાડીમાં સ્વાગત કરવામાં આવ્યું. મહેમાનો જ્યારે આંગણવાડીમાં પધાર્યા ત્યારે આંગણવાડી કાર્યકર રબારી બબીબેન કેન્દ્રના ૩૫ બાળકોને બાળગીત સંભળાવી રહ્યા હતા. મહેમાનો પણ બાળ અભિનય ગીતમાં સહભાગી બન્યા હતા. ત્યારબાદ મહેમાનોએ બાળકો જાેડે હળવી કસરત કરી હતી. ડેનમાર્કથી આવેલા મહેમાનો આંગણવાડીના ભૂલકાઓ સાથે બાળક બનીને દરેક પ્રવૃતિઓમાં જાેડાયા હતા.
ડેનમાર્કથી આવેલા મહેમાનોએ આંગણવાડીના કાર્યકર બબીબેન રબારી સાથે વાતચીત કરી હતી.
બબીબેને તેઓને આંગણવાડીમાં બાળકો માટે કરવામાં આવતી પ્રવુતિઓથી માહિતગાર કર્યા હતા. બબીબેને જણાવ્યું હતું કે,આંગણવાડીમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. આંગણવાડીમાં ભૂલકાઓ માટે જે કાર્યો કરવામાં આવે છે તે જાેઈને વિદેશી મહેમાનો ખૂબ જ ખુશ થયા હતાં અને તેઓએ આંગણવાડીની કામગીરીને વખાણી હતી. રાધનપુરની મેમદાવાદ આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે ગ્રોથચાર્ટ, રંગવજન રજીસ્ટર, પૂરક આહાર રજીસ્ટર, જન્મ મુત્યુ રજીસ્ટર, સર્વ રજીસ્ટર વગેરે કાર્યો આંગણવાડી કાર્યકર બબીબેન રબારી દ્વારા નિભાવવામાં આવે છે.
બબીબેને આ કામ વિશેની સંપૂર્ણ માહિતી વિદેશી મહેમાનોને આપી હતી. બબીબેને જણાવ્યું હતુ કે, આંગણવાડીમાં લાભાર્થીઓને HR (બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિ) ના પેકેટ પણ આપવામાં આવે છે. રાધનપુરની મેમદાવાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવેલા ડેનમાર્કના મહેમાનોએ સેનીટેશન તેમજ સ્ટોર રૂમની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંેગે ICDS અધિકારીશ્રી ગૌરીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આજરોજ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવેલા અમારા વિદેશી મહેમાનોને હું દિલથી આવકારૂ છુ.