ભારતમાં 2023માં ૭૧ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું
ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બન્યું
(એજન્સી)નવી દિલ્હી, ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. ૨૦૨૩માં ભારતમાં ૭૧ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે વિદેશી રોકાણ તેના પહેલાના વર્ષની સરખામણીએ ઘટયું હતું છતાં વિશ્વના અન્ય દેશોના પ્રમાણમાં તે ઘણું વધારે છે.
સીધા વિદેશી રોકાણ અંગે અભ્યાસ કરતી એક આંતરરાષ્ટ્રીય એજન્સી અહેવાલ પ્રમાણે સીધા વિદેશી રોકાણ મુદ્દે ભારત વિશ્વના ટોચના ૧૦ દેશોમાં ૧૦મા ક્રમે આવે છે. વૈશ્વિક સ્તરે બદલાતા આર્થિક પરિબળોમાં ભારતની ગણતરી થવા લાગી છે. એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા ભારતીય રિઝર્વ બેન્ક સાથે મળીને દેશના વિદેશી રોકાણના ૨૦ વર્ષના સફર ઉપર એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, ૨૦૦૦ની સાલમાં ભારતમાં માત્ર ૨.૨ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું તેની સરખામણીમાં અત્યારે બે દાયકા બાદ વિદેશી રોકાણનો આંકડો ૭૧ અબજ ડોલર પહોંચી ગયો છે.
જાણકારોના મતે ભારતની બદલાયેલી આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિને પગલે વિશ્વભરમાં તેની ગણના મોટા દેશોમાં થવા લાગી છે. ખાસ કરીને સાઉથ એશિયા ક્ષેત્રમાં ભારત મજબૂત રીતે વિકસી રહેલો દેશ બની ગયો છે. ભારતમાં વિદેશી રોકાણમાં સતત ચડાવ ઉતાર જોવા મળ્યા છે. ખાસ કરીને ૨૦૦૦ની સાલથી ૨૦૧૪ સુધી તેવું વધારે જોવા મળ્યું છે. ત્યારપછીના છેલ્લાં એક દાયકામાં પહેલી વખત ૨૦૨૩માં ડાઉનફોલ આવ્યો હતો.
સૌથી વધારે એફડીઆઈ ૨૦૨૧ અને ૨૦૨૨માં જોવા મળી હતી. ૨૦૨૧માં ૮૨ અબજ ડોલર જ્યારે ૨૦૨૨માં ૮૪.૮ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે ૧૩ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં સરેરાશ જળવાઈ રહી છે. જાણકારોના મતે યુપીએ સરકાર કરતા ભાજપ સરકારમાં વિદેશી રોકાણ બમણું થઈ ગયું છે. હાલમાં ભારતમાં થતા વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર મોખરે છે
જ્યારે કર્ણાટક બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. વિશ્વની છેલ્લાં પાંચ વર્ષમાં બદલાયેલી જીયોપોલિટિકલ અને ઈકોનોમિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફારો આવ્યા છે. તેના પગલે જ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા સુરક્ષિત આર્થિક રોકાણ માટે ભારત તરફ દોટ મુકવામાં આવી છે. છેલ્લાં એકાદ-બે વર્ષમાં મોટાપાયે વિદેશી રોકાણમાં ચડાવ ઉતાર જોવા મળ્યા છે છતાં ભારતમાં વિદેશી રોકાણ વધ્યું છે.
અહેવાલ પ્રમાણે ૨૦૧૪થી ૨૦૨૩ સુધીમાં ભારતમાં ૫૯૬ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે જે ૨૦૦૫થી ૨૦૧૪ સુધી દેશમાં થયેલા વિદેશી રોકાણ કરતા બમણું છે.